લખનઉ- અયોધ્યાનો વારસો જેટલો જૂનો છે એટલો જ જૂનો તેનો જમીન વિવાદ છે. એ વિવાદ જેણે હિન્દુસ્તાનના રાજકારણમાં ધર્મ માટે નવો ચીલો ઉભો કર્યો. આઝાદી બાદ બનેલો આ ચીલો મત માટેનું મજબૂત રાજકારણ પુરવાર થયો. જોકે આ મુદ્દાએ સૌથી વધુ નુકસાન અયોધ્યાને જ પહોંચાડ્યું છે.
‘મંદિર વહીં બનાએંગે’… અયોધ્યાને લઈને રાજકારણમાં ગવાઈ રહેલો આ ધાર્મિક રાગ કંઈ આજકાલનો નથી. પરંતુ વિવાદિત ઢાંચાના વિધ્વંસથી કોમી હુલ્લડ સુધીની અનેક ઘટનાઓનો દેશ સાક્ષી રહ્યો છે.
હિન્દુઓને મંદિરમાં પૂજાની પરવાનગી મળી
જોકે આ વિવાદમાં રોચક વળાંક વર્ષ 1980માં આવ્યો. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસંસદમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જેના બે વર્ષ બાદ ફૈઝાબાદ જિલ્લા ન્યાયાધીશે વિવાદિત જગ્યા પરનું તાળું ખોલવાનો આદેશ આપ્યો. ત્યારે આ વિવાદીત જગ્યામાં હિન્દુઓને પહેલાંની જેમ પૂજા કરવાની પરવાનગી તો મળી ગઈ પરંતુ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો.
રાજીવ ગાંધી સરકારમાં થયો શિલાન્યાસ
નવેમ્બર 1989માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ હિન્દુ સંગઠનોને વિવાદિત સ્થળની પાસે શિલાન્યાસ કરવાની પરવાનગી આપી હતી. રાજકીય નિષ્ણાતોના મતે રાજીવ ગાંધી સરકારનો આ નિર્ણય શાહબાનો કેસ બાદ નારાજ થયેલા હિન્દુ સમુદાય અને ભ્રષ્ટાચારને કારણે ઘટી રહેલા જનાધારને ફરીવાર પોતાના તરફ આકર્ષિત કરવાનો નવો દાવ હતો. જોકે કોંગ્રેસનો આ દાવ ‘બૂમરેંગ’ સાબિત થયો. BJP નેતા લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં પાર્ટીએ રામ મંદિરને એક રાજકીય મુદ્દા તરીકે રજૂ કરી દીધો હતો.
અયોધ્યમાં રામ મંદિરના નિર્માણનું સમર્થન કરનારો એક મોટો વર્ગ રાજકારણ સાથે જોડાયો હતો. આ વર્ગ BJP માટે તારણહાર સાબિત થયો. જેનું પરિણામ 1989ની ચૂંટણીમાં જોવા મળ્યું હતું. ભારતીય જનતા પક્ષે 2 માંથી સીધી 85 બેઠક જીતવાની સફળતા મેળવી અને તત્કાલીન વી.પી. સિંહની જનતા દળની સરકારને સમર્થન આપ્યું હતું. તો બીજી તરફ મંદિર આંદોલન એક રાજકીય મુદ્દો બની ગયો હતો. જે રાજીવ ગાંધી માટે ખોટો દાવ પુરવાર થયો અને ભાજપને લોકો વચ્ચે પહોંચવામાં મદદરુપ સાબિત થયો.