શ્રીનગર- જમ્મુ-કશ્મીરમાં સેના અને સ્થાનિક પોલીસને આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશનમાં મોટી સફળતા હાથ લાગી છે. કાજીગુંડમાં અથડામણ દરમિયાન સેના, SOG અને CRPFના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ ફુરકાન, યાવર વસીમ અને અબુ માવિયા તરીકે કરવામાં આવી છે. ફુરકાન આતંકી સંગઠન લશ્કરનો ડિવિઝનલ કમાંડર હતો. યાવર વસીમ સ્થાનિક આતંકી અને અબુ માવિયાની ઓળખ પાકિસ્તાની આતંકી તરીકે કરવામાં આવી છે.
જમ્મુ-કશ્મીરના DGPએ જણાવ્યું કે, ફુરકાન, યાવર વસીમ અને અબુ માવિયા અમરનાથ યાત્રીઓ પર કરવામાં આવેલા હુમલામાં સંકળાયેલા હતા. અથડામણ દરમિયાન એક આતંકી ભાગીછૂટ્યો હતો જેને બાદમાં અનંતનાગમાંથી પોલીસે પકડી પાડ્યો હતો. હાલમાં અનંતનાગમાં એન્કાઉન્ટર બાદ સુરક્ષાના ભાગરુપે મોબાઈલ ઈન્ટરનેટ સેવા અસ્થાયી રુપે બંધ કરવામાં આવી છે.
આ વર્ષે જુલાઈ મહિનામાં અનંતનાગ જિલ્લાના બાનટિંગૂમાં બે અલગ-અલગ જગ્યાઓ પર અમરનાથ યાત્રીઓ અને તેની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો ઉપર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આઠ લોકોના મોત થયા હતાં અને 19 લોકો ઘાયલ થયા હતાં.