મમતા પર હુમલો કે ઘટના? : ECએ રિપોર્ટ માગ્યો

નંદીગ્રામઃ પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ચૂંટણીપ્રચારમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી ઇજાગ્રસ્ત થયાં છે. તેમને SSKM હોસ્પિટલમાં સારવાર જારી છે. તેમને પગમાં ઇજા થઈ છે. મોડી રાત્રે તેમના એક્સ-રે અને ઈસીજી રિપોર્ટની તપાસ આવી ગઈ છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમના પગમાં ફ્રેક્ચર નથી થયું, પણ તેમના પગમાં સોફ્ટ ટિશ્યુ ડેમેજ છે. મમતાએ પગમાં ઇજા થયા પછી છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. રાત્રે તેમનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. તેમના પગમાં કામચલાઉ પ્લાસ્ટર પણ કરવામાં આવ્યું હતું. જોકે આગામી 48 કલાક મમતા બેનરજીને ડોક્ટરોના દેખરેખમાં રહેશે.

મમતા બેનરજીએ કહ્યું હતું કે નંદીગ્રામમાં તેમને કેટલાક લોકોએ ધક્કામુક્કી કરી હતી. ચાર-પાંચ લોકોએ તેમની કારને ધક્કો માર્યો હતો અને તેમનો દરવાજો બંધ કર્યો હતો, એ સમયે તેમની પાસે કોઈ સુરક્ષા કર્મચારી નહોતો. આ ઘટનામાં તેમને ડાબા હાથના ખભામાં બાજુમા અને ગળામાં ઇજા થઈ હતી.

ચૂંટણી પંચે રિપોર્ટ માગ્યો

મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર થયેલા હુમલાને લઈને તૃણમૂલ કોંગ્રેસના નેતા રાજ્ય ચૂંટણી અધિકારી સાથે બપોરે 12 કલાકે મુલાકાત કરશે. ચૂંટણી પંચે પણ રાજ્યના ચૂંટણી અધિકારીને આ ઘટના પર વિસ્તૃત રિપોર્ટ સાંજે પાંચ કલાક સુધી માગ્યો છે.

મમતા ખોટું બોલી રહ્યાં છે

બીજી તરફ ભાજપ સમર્થકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દાવો કર્યો હતો કે કોઈએ ભાજપ મમતા બેનરજી પર હુમલો નથી કર્યો. કાર્યકર્તા સુકુમાર મૈતીએ કહ્યું હતું કે કોઈએ મમતાને ધક્કો નથી માર્યો, તે ખોટું બોલી રહ્યાં છે. તેમનો દરવાજો ખુલ્લો હતો, જ્યારે તે થાંભલા સાથે અથડાયાં હતાં. તે સદંતર ખોટું બોલી રહ્યાં છે.