મૂક-બધિર ગીતાની ઇચ્છા ફળીઃ માતા સાથે મિલાપ

નવી દિલ્હીઃ પાકિસ્તાનથી વર્ષ 2015માં ભારત પરત ફરેલી મૂક બધિર ગીતાને આખરે તેની મૂળ માતાને મળી ગઈ હતી. ગીતાને પાકિસ્તાનમાં જે સંગઠને આશરો આપ્યો હતો કે એનો દાવો હતો ગીતાને મહારાષ્ટ્રમાં તેની મૂળ માતા સાથે મિલાપ કરાવી દીધો છે. દિવંગત પ્રધાન સુષમા સ્વરાજના પ્રયાસોથી ભૂલથી પાકિસ્તાન પહોંચેલી ગીતા ભારત પરત ફરી શકી હતી. તે પરત ફર્યા પછી પરિવારની શોધ કરી રહી હતી, જે હવે પૂરી થઈ છે.

ગીતાનું મૂળ નામ રાધા

પાકિસ્તાનના ઇધી વેલફેર ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ દિવંગત અબ્દુલ સત્તાર ઇધીનાં પત્ની બિલકિસ ઇધીએ જણાવ્યું હતું કે ગીતાનું મૂળ નામ રાધા વાઘમારે છે અને તેની મૂળ માતા મહારાષ્ટ્રના નાયગાંવમાં રહે છે.

પાકિસ્તાનમાં રહેવા દરમ્યાન ઈધી ફાઉન્ડેશન ગીતાની સારસંભાળ કરી રહ્યું હતું. ગીતા બિલકિસ ઇધીને કરાચીમાં એક રેલવે સ્ટેશને મળી હતી. ત્યારે તેની ઉંમર 11-12 વર્ષની હતી. બિલકિસે જણાવ્યું હતું કે તે તેનું નામ ફાતિમા રાખ્યું હતું, પણ જ્યારે માલૂમ પડ્યું કે હિન્દુ છે, ત્યારે તેણે તેનું નામ ગીતા રાખ્યું હતું.

વર્ષ 2015માં ભૂતપૂર્વ વિદેશપ્રધાન દિવંગત સુષમા સ્વરાજે ગીતાને ભારત લાવવાની વ્યવસ્થા કરી હતી. બિલકિસે કહ્યું હતું કે ગીતાને તેના મૂળ પરિવારને શોધવામાં પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. જોકે તેના પિતાના મોત પછી તેની માતાએ બીજાં લગ્ન કર્યાં છે. ગીતા હાલ 27 વર્ષની છે. તે શિક્ષણ લઈ રહી છે અને શિક્ષણ લીધા પછી તે નોકરી કરવા ઇચ્છે છે.