શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના પૂંચ જિલ્લામાં ગઈ કાલે એક આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનનું મરણ નિપજ્યા બાદ સુરક્ષા દળોએ હુમલાખોર આતંકવાદીઓની સઘન શોધખોળ આદરી છે. તે આતંકવાદીઓ જિલ્લાના બટા-દોરિયા વિસ્તારના ગાઢ જંગલમાં છુપાયા હોવાની શંકા છે. સુરક્ષા જવાનોએ તે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સ્નિફર શ્વાનોની પણ મદદ લીધી છે. પૂંચ અને રાજૌરી જિલ્લાઓના સરહદીય વિસ્તારો અને નિયંત્રણ રેખા નજીકના વિસ્તારોમાં હાઈ-એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.
શહીદ જવાનોનાં નામ જાહેર કરાયા
દરમિયાન, ભારતીય સેનાએ ગઈ કાલના ટેરર હુમલામાં શહીદ થયેલા પાંચ જવાનોનાં નામ જાહેર કર્યા છેઃ હવિલદાર મનદીપ સિંહ, લાન્સ નાયક દેબાશિષ બસ્વાલ, લાન્સ નાયક કુલવંત સિંહ, સિપાઈ હરકિશનસિંહ અને સિપાઈ સેવકસિંહ. આ જવાન ભારતીય સેનાના રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટ સાથે જોડાયેલા હતા અને એમને કશ્મીરના વિસ્તારમાં ત્રાસવાદી-વિરોધી કામગીરીઓ બજાવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.