આતિશી સરકારે તહેવારોમાં ફટાકડા પર મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ  દેશના પાટનગરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન જારી કર્યું છે. આ નોટિફિકેશન મુજબ શહેરમાં ફટાકડા બનાવવા, સંગ્રહ કરવો અને વેચાણ કરવા અને ફોડવા પર 14 ઓક્ટોબરથી પહેલી જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. તહેવારોમાં હવાની ગુણવત્તા ખરાબ ના થાય, એને માટે આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

નવેમ્બરના પહેલા સપ્તાહમાં દિવાળીના તહેવારોમાં દેશનાં ઉત્તરના રાજ્યોમાં પરાલી સળગાવવાને કારણે દિલ્હી NCRનો AQI ગંભીર થવાની આશંકા છે.આ નોટિસને દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે X પર પોસ્ટ કરી છે. તેમણે એ વાત પર ભાર આપ્યો હતો કે શિયાળામાં દિલ્હીમાં હવા પ્રદૂષણને લીધે ખરાબ થઈ જાય છે અને આતશબાજી આ સમસ્યામાં યોગદાન આપે છે. શિયાળામાં વધતા પ્રદૂષણના સ્તરને જોતાં પહેલી જાન્યુઆરી સુધી ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર દિલ્હીવાસીઓને સહયોગની વિનંતી કરી છે.

કેન્દ્ર સરકાર ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના તબક્કા એક હેઠળ હવા પ્રદૂષણવિરોધી ઉપાય કરવાથી પહેલાંની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવાનો નિર્ણય કરી રહી છે. તબક્કાના એક હેઠળ GRAPમાં જૂનાં ડીઝલ અને પેટ્રોલ વાહનોને તબક્કાવાર રીતે દૂર કરવાના સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ઓથોરિટીના આદેશોનું સખતાઈથી પાલન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે. એમાં AQIના 200ના અંકને પાર કર્યા પછી ભોજનાલયો, રેસ્ટોરાં અને હોટેલોમાં કોલસાના અને લાકડીના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.