નવી દિલ્હીઃ કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં 55થી વધુ સ્થળો પર કોન્ટ્રેક્ટરો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને ત્યાં ચાલી રહેલા દરોડામાં ઇન્કમ ટેક્સ વિભાગે આશરે રૂ. 100 કરોડ રોકડા જપ્ત કર્યા છે. આ દરોડા દરમ્યાન રૂ. 94 કરોડ રોકડ, રૂ. આઠ કરોડનાં સોના અને હીરાના આભૂષણો અને 30 લક્ઝરી ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે. આ દરોડ 12 ઓક્ટોબરે શરૂ કરવામાં આવ્યા હતા અને વિભાગ દ્વારા બેંગલુરુ અને તેલંગાણા અને આંધ્ર પ્રદેશનાં કેટલાંક શહેરોની સાથે-સાથે દિલ્હીમાં 55 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસના પરિણામ સ્વરૂપ આશરે રૂ. 94 કરોડના બિનહિસાબી રોકડ મળીને કુલ રૂ. 102 કરોડથી વધુની જપ્તી થઈ હતી. આરોપીઓની ઓળખ બતાવ્યા વગર CBDTએ જણાવ્યું હતું કે એક ખાનગી પગારદાર કર્મચારીના નિવાસસ્થાનેથી 30 લક્ઝરી વિદેશી ઘડિયાળોનું કલેક્શન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
આ દરોડા દરમ્યાન દસ્તાવેજોની હાર્ડ કોપી અને ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડામાં માલ રસીદ નોટમાં અને કેટલાય દસ્તાવેજોમાં ભારે વિસંગતિઓ જોવા મળી છે. દાવો કરવામાં આવ્યો હતો કે કોન્ટ્રેક્ટર બિનવ્યાવસાસિક ઉદ્દેશો માટે બુકિંગ ખર્ચાઓમાં પણ સામેલ હતા.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ
કર્ણાટકમાં સત્તારૂઢ કોંગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપની વચ્ચે આ મામલે વાકયુદ્ધ છેડાયું છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ નલિન કુમાર કતીલે કહ્યું હતું કે આ નાણાં કોંગ્રેસથી જોડાયેલાં છે, જ્યારે મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ આ આરોપને નિરાધાર ગણાવ્યા હતા.