પટનાઃ બિહાર વિધાનસભાના શિયાળુ સત્રનું શુક્રવારે વંદે માતરમની સાથે સમાપન સાથે થયું હતું. જોકે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના વિધાનસભ્યોએ વિધાનસભામાં વંદે માતરમ ગાવાનો વિરોધ કર્યો હતો અને રાષ્ટ્રગીત નહીં ગાયું. જે પછી ભાજપના વિધાનસભ્યએ AIMIM વિધાનસભ્યો પર પલટવાર કરતાં કહ્યું હતું કે આ લોકો દેશને તાલિબાન બનાવવા ઇચ્છે છે.
વિધાન સભાની કાર્યવાહી પૂરી થયા પછી AIMIM વિધાનસભ્યોના દળના નેતા અખરુલ ઇમાને વિધાનસભામાં રાષ્ટ્રગીત ગાવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે એ જબરદસ્તી થોપવામાં આવી રહ્યું છે. બંધારણમાં એવું ક્યાંય નથી લખાયું. તેમણે કહ્યું હતું કે આ અમારી પરંપરાની વિરુદ્ધ છે. પહેલાં પણ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન હતું, પણ વિધાનસભાની અંદર નથી ગાવામાં આવ્યું. એક નવી પરંપરા શરૂ કરવામાં આવી, જેની કોઈ જરૂર નથી.
તેમણે કહ્યું હતું કે બંધારણમાં પ્રેમ અને ભાઈચારો છે. એમાં બધા ધર્મોના સન્માનની વાત કહેવામાં આવી છે. એટલા માટે હું વંદે માતરમ નથી ગાતો અને નહીં ગાઉં. કોઈ અમારી રાષ્ટ્રભક્તિ પર સવાલ નહીં ઊભો કરી શકે. અમે દેશમાં આસ્થા રાખીએ છીએ અને કોઈ પણ અમને જબરદસ્તી વંદે માતરમ ગીત ગાવા માટે ના કહી શકે.
ભાજપના વિધાનસભ્ય હરિભૂષણ ઠાકુરે કહ્યું હતું કે તેમના વિચારો તાલિબાન જેવા છે અને તેઓ આ દેશને પણ તાલિબાન બનાવવા ઇચ્છે છે. જેહાદી અને સાંપ્રદાયિક વિચારવાળી વ્યક્તિથી વધુ આશા ના રાખી શકાય. ભાજપના અન્ય વિધાનસભ્ય સંજય સિંહે તો ઓવૈસીની પાર્ટીના વિધાનસભ્યોને દેશ છોડવા સુધી કહી દીધું.
