ગોવામાં વિક્રમી મતદાન; ઉત્તરાખંડમાં 59.51% મત પડ્યા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડ અને ગોવામાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાઈ ગયું. ઉત્તર પ્રદેશ રાજ્યમાં સાત તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યાં આજે બીજા તબક્કાનું મતદાન હતું.

સાંજે 6 વાગ્યે મતદાનનો સત્તાવાર સમય પૂરો થયો ત્યારે ઉત્તર પ્રદેશમાં 61.33 ટકા, ઉત્તરાખંડમાં 59.51 ટકા અને ગોવામાં 78.31 ટકા મતદાન યોજાયું હતું. 2017ની ચૂંટણીમાં ગોવામાં 82 ટકા મતદાન થયું હતું.

ઉત્તરાખંડ અને ગોવામાં આજે એક જ તબક્કામાં મતદાન યોજાયું હતું. કુલ પાંચ રાજ્યોમાં નવી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. 117-બેઠકો માટે પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મણિપુરમાં 28 માર્ચ અને પાંચ માર્ચે મતદાન યોજાશે. પાંચેય રાજ્યોમાં 10 માર્ચે મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે.

40-સીટવાળી ગોવા વિધાનસભા ચૂંટણીમાં કુલ 301 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યાં છે. આમાં 26 મહિલાઓ છે. રાજ્યમાં કુલ 11.57 લાખ મતદારો છે.

ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે સાન્ક્વોલીમ ખાતે મતદાન કર્યું

70-બેઠકોવાળી ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 632 ઉમેદવારો ઊભાં છે. આમાં 63 મહિલાઓ છે. રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા છે – 82.67 લાખ.

ઉત્તરાખંડમાં સૌથી ઊંચાઈ પર (10,870 ફૂટ) આવેલા ગંગોત્રીમાંના મતદાન કેન્દ્રમાં મતદાન થયું.

ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કા માટે 61.33 ટકા મતદાન થયું

ઉત્તર પ્રદેશમાં આજે બીજા તબક્કાની ચૂંટણીમાં અમરોહા, બદૌંન, બરેલી, બિજનોર, મુરાદાબાદ, રામપુર, સહારનપુર, સંભલ અને શાહજહાંપુર એમ 9 જિલ્લામાં 55 સીટ માટે મતદાન યોજાયું હતું. આ માટે 69 મહિલાઓ સહિત 586 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યાં છે. 9 જિલ્લામાં કુલ 2.02 કરોડ મતદારો નોંધાયા છે.