નવા ક્રિમિનલ કાયદા લાગુ થતાં જ કોંગ્રેસનો કેન્દ્ર પર તીખો હુમલો

નવી દિલ્હીઃ દેશમાં ત્રણ નવા અપરાધિક કાયદા લાગુ થઈ રહ્યા છે. કાયદાની આ કલમો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભારતીય એવિડન્સ એક્ટ છે. નવા કાયદાઓ હેઠળ કેટલીક કલમો દૂર કરવામાં આવી છે તો કેટલીક કલમો ઉમેરવામાં આવી છે. એ દરમ્યાન નવા કાયદાને લઈને રાજકારણ શરૂ થયું છે.

ભારતીય ચૂંટણીમાં રાજનીતિક અને નૈતિક ઝટકા પછી મોદીજી અને ભાજપ બંધારણનો આદર કરવાનો ખૂબ દેખાડો કરી રહ્યા છે, પણ સત્ય તો એ છે કે જે અપરાધિક ન્યાય પ્રણાલીના ત્રણ કાયદા લાગુ થઈ રહ્યા છે. એ 146  સાંસદોને સસ્પેન્ડ કરીને જબરદસ્તી પસાર કરવામાં આવ્યા છે. ઇન્ડિયા હવે એ બુલડોઝર ન્યાય સંસદીય પ્રણાલી પર નહીં ચાલવા દે, એમ કોંગ્રેસઅધ્યક્ષ ખડગેએ કહ્યું હતું.

કોંગ્રેસ સાસંદ મનીષ તિવારીએ ટ્વીટ કરીને ભારતીય ન્યાય સંહિતાના ત્રણ કાયદાઓને તત્કાળ અટકાવવાની માગ કરી હતી. આ નવા ક્રિમિનલ કાયદા ભારતને વેલફેર સ્ટેટથી પોલીસ સ્ટેટ બનાવવાના પાયો નાખશે. સંસદમાં આ કાયદાઓ પર ફરી ચર્ચા થાય, એ પછી કોઈ નિર્ણય લેવામાં આવે, એમ તેમણે કહ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિંદબરમે ત્રણ નવા અપરાધિક કાયદાઓના લાગુ થવા દરમ્યાન સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે એ હાલના કાયદાઓને ધ્વસ્ત કરવા અને એને સ્થાને વિના પર્યાપ્ત ચર્ચા અને વિચારવિમર્શ ત્રણ નવા કાયદાઓ લઈને આવવાનું એક વધુ ઉદાહરણ છે.

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે નવા કાયદા ન્યાય આપવામાં પ્રાથમિકતા આપશે, જ્યારે અંગ્રેજોના સમયના કાયદામાં દંડનીય કાર્યવાહીને પ્રાથમિકતા આપવામાં આવતી હતી.