નવી દિલ્હીઃ દિલ્હીમાં મોટી જીત મેળવ્યા બાદ કહેવાઈ રહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાષ્ટ્રીય રાજનીતિમાં કદ વધશે અને તેઓ વિપક્ષના ચહેરા તરીકે ઉભરી શકે છે.
જો કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતાના રુપમાં ઉભરી આવતા હજી સમય લાગી શકે છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે, કેજરીવાલને પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરવા માટે અખિલ ભારતીય સ્તર પર આધાર બનાવવાની જરુર છે. અત્યારે આમ આદમી પાર્ટીને ચૂંટણી આયોગ દ્વારા પ્રાદેશિક પાર્ટીની માન્યતા પ્રાપ્ત થઈ છે. પાર્ટી વર્ષ 2017 માં પંજાબમાં મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જો કે તેની રાષ્ટ્રીય અપેક્ષાઓને ત્યારે ઝાટકો લાગ્યો કે જ્યારે ગોવા ચૂંટણી તેમજ ગત બે લોકસભા ચૂંટણીમાં તેને નિષ્ફળતા હાથ લાગી.
તેણે વર્ષ 2014 માં પંજાબમાં ચાર લોકસભા સીટો જીતી અને વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં એક જ સીટ હાથ લાગી હતી, જ્યારે દિલ્હીના મતદાતાઓએ બંન્ને વાર લોકસભા ચૂંટણીમાં તેમને નકારી કાઢ્યા હતા. કેજરીવાલે વર્ષ 2014 માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી અને તેમણે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
દિલ્હીમાં ભાજપ સામે વર્ષ 2017 ની નગર નિગમની ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ, આપની રણનીતિમાં બદલાવ દેખાયો અને તેણે ફરીથી રાષ્ટ્રીય રાજધાનીમાં વિકાસ પર ધ્યાન આપવાનું શરુ કર્યું.