અરૂંધતિ રોય સમાજ માટે જોખમી છે, NSA હેઠળ એમની ધરપકડ કરવી જોઈએઃ સુબ્રમણ્યન સ્વામી

નવી દિલ્હી – નાગરિકતા સુધારિત કાયદા (CAA), નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC), નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) વિશે દેશમાં ચાલી રહેલા વાદવિવાદમાં એવોર્ડવિજેતા લેખિકા અરૂંધતિ રોયે પણ ઝુકાવ્યું છે. પરંતુ એમણે ગઈ કાલે કરેલી કમેન્ટના આકરાં પ્રત્યાઘાત પડ્યા છે.

બુધવારે નવી દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટીમાં NRC વિશે યોજાઈ ગયેલી એક વિરોધ સભામાં ઉપસ્થિત રહેલાં અરૂંધતિએ કહ્યું હતું કે, ‘NPR પ્રક્રિયાનો ઉપયોગ NRC માટે ડેટાબેઝ તરીકે કરવામાં આવશે. એટલે જ્યારે પણ NPR માટે તમારે ત્યાં સરકારી અધિકારી પૂછપરછ માટે આવે ત્યારે એમને ભળતાસળતા જવાબ આપવાના. જેમ કે, તમારું નામ રંગા-બિલ્લા આપવું, સરનામું 7-રેસકોર્સ રોડ આપવું, ફોન નંબર પણ ખોટો આપી દેવો.’

અરૂંધતિએ દેખીતી રીતે રંગા-બિલ્લા નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ માટે આપ્યા છે.

અરૂંધતિનાં આવા વિધાનને કારણે લોકોમાં રોષ ઊભો થયો છે. એમની પર આક્ષેપ કરાયો છે કે તેઓ NPRની પ્રક્રિયામાં ભાંગફોડ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

ભાજપનાં પીઢ અને આક્રમક મિજાજવાળા નેતા અને રાજ્યસભાના સદસ્ય સુબ્રમણ્યન સ્વામીએ માગણી કરી છે કે અરૂંધતિ રોયની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (નેશનલ સિક્યૂરિટી એક્ટ-NSA) હેઠળ ધરપકડ કરવી જોઈએ.

સ્વામીએ એમ પણ કહ્યું છે કે અરૂંધતિ રોય સમાજ માટે જોખમી છે.

સ્વામીએ ‘ટાઈમ્સ નાઉ’ ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે, અરૂંધતિની કમેન્ટ્સને રાજદ્રોહ તરીકે ગણવી જોઈએ. સરકારી અધિકારી સર્વેક્ષણ માટે તમારે ત્યાં પૂછપરછ માટે આવે ત્યારે તમારે એમને સત્ય જણાવવું જોઈએ. અરૂંધતિની કમેન્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો બની ગઈ છે. એમની NSA હેઠળ ધરપકડ કરવી જોઈએ. એ જે રીતે વાતો ફેલાવે છે એ જોતાં તે સમાજ માટે જોખમી છે. એ દેશને વિવાદમાં ઢસડી જવાનો પ્રયત્ન કરે છે, મુસ્લિમ સમાજની બાજુએ થઈને અને એમને ભડકાવીને અરૂંધતિ હિન્દુ સમાજ વિરુદ્ધ તિરસ્કારની લાગણી પેદા કરે છે.

ઉલ્લેખનીય છે કે રંગા અને બિલ્લા અપરાધીઓ હતા. 1978માં એમણે દિલ્હીમાં પૈસા માટે 16 વર્ષની છોકરી ગીતા ચોપરા અને એનાં 14 વર્ષીય ભાઈ સંજય ચોપરાનું અપહરણ કર્યું હતું અને બાદમાં છોકરી પર બળાત્કાર ગુજારી બંનેની હત્યા કરી હતી. બાદમાં રંગા અને બિલ્લાની ધરપકડ કરવામાં આવી હતી અને 1982માં બંનેને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા.