ઈમ્ફાલઃ આદિવાસીઓના આંદોલનને પગલે હિંસા ફાટી નીકળ્યા બાદ મણિપુરમાં પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે ભારતીય સેના અને આસામ રાઈફલ્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
સંરક્ષણ ખાતાના એક પ્રવક્તાના જણાવ્યા મુજબ, સુરક્ષા જવાનોએ હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 4,000 જેટલા લોકોને ઉગાર્યા છે અને આશરો આપ્યો છે. વધુ ને વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. સેનાના જવાનોએ અનેક વિસ્તારોમાં કૂચ આદરી હતી.
ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુર (એટીએસયૂએમ) દ્વારા ચુરાચાંદપુર જિલ્લાના ટોરબંગ વિસ્તારમાં ગઈ કાલે કાઢવામાં આવેલી ‘આદિવાસી એકતા કૂચ’ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ઈમ્ફાલ ખીણપ્રદેશમાં વર્ચસ્વ ધરાવતા બિન-આદિવાસી મૈતેઈ જાતિનાં લોકોને અનુસૂચિત જનજાતિ (આદિવાસી) દરજ્જો આપવાની કરાયેલી માગણી સામેના વિરોધમાં આ કૂચ કાઢવામાં આવી હતી.