નવી દિલ્હીઃ લદાખ સરહદે ભારત અને ચીનના લશ્કર વચ્ચે તંગદિલી ઘેરી બની છે ત્યારે ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતે સંરક્ષણ અંગેની સંસદની સ્થાયી સમિતિના સભ્યોને આજે કહ્યું છે કે દેશના સશસ્ત્ર દળો કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે સજ્જ છે.
આ બેઠકમાં કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. ચીન સાથેના સરહદ વિવાદને સંભાળવાના મુદ્દે રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત પસ્તાળ પાડી રહ્યા છે.
જનરલ રાવતે સમિતિને કહ્યું કે ચીનના કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સશસ્ત્ર દળોએ પર્યાપ્ત પગલાં લીધા છે. આપણા દળો અત્યંત સતર્ક છે અને ચીનાઓ જો સરહદ પર કોઈ દુઃસાહસ કરશે તો આપણા સૈનિકો એમને જડબાતોડ જવાબ આપશે.