કંગનાને ‘હરામખોર’ કહેનાર સંજય રાઉતથી રાષ્ટ્રીય મહિલા પંચ નારાજ

નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત માટે અપશબ્દ વાપરવા બદલ રાષ્ટ્રીય મહિલા પંચ (NCW)એ મુંબઈ પોલીસને કહ્યું છે કે તે શિવસેનાના નેતા સંજય રાઉત સામે ‘સુઓ મોટો’ (કોઈની ફરિયાદ વગર સ્વયં રીતે) પગલું ભરે.

કંગનાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને બદનામ કર્યા એવા આક્ષેપ સાથે એની સામે મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાયા બાદ NCWનાં અધ્યક્ષા રેખા શર્માએ એક ટ્વીટ કરીને પોતાનું મંતવ્ય એમ જણાવ્યું છે કે જો ખરાબ ભાષા વાપરવા બદલ કંગના સામે મુંબઈ પોલીસ ફરિયાદ કરી શકે છે તો એણે કંગના માટે અપશબ્દ ઉચ્ચારવા બદલ સંજય રાઉત સામે સુઓ મોટો પગલું ભરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, કંગનાએ અમુક દિવસો પહેલાં મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK) સાથે કર્યા બાદ સંજય રાઉતે કંગનાને ‘હરામખોર’ કહી હતી. રેખા શર્માએ મુંબઈના પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે તેઓ આ બાબતમાં ધ્યાન આપે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. રેખા શર્માએ આ માટે એમનાં ટ્વીટમાં મુંબઈના પોલીસ કમિશનરને ટેગ કર્યાં છે.

મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં, કંગનાનાં નિવાસસ્થાનમાં એણે બનાવેલી ઓફિસ ગેરકાયદેસર છે એવું કહીને શિવસેના સંચાલિત મહાનગરપાલિકાએ તે ઓફિસમાં તોડકામની કાર્યવાહી હાથ ધરી હતી.  કંગનાએ મુસીબતનો હિંમતપૂર્વક સામનો કરવાના સ્ત્રીના દ્રઢ નિશ્ચયના પ્રતિક તરીકે એ જ તોડફોડ થયેલી હાલતવાળી ઓફિસમાં કામકાજ શરૂ કર્યું છે.

એણે કહ્યું કે મેં આ વર્ષની 15 જાન્યુઆરીએ મારી ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ કોરોના વાઈરસ ફેલાતાં બીજા ઘણાય લોકોની સાથે હું પણ ત્યાં વધુ કામ કરી શકી નથી. હવે જ્યારે મહાપાલિકાએ ત્યાં તોડકામની કાર્યવાહી કરી છે ત્યારે ઓફિસને રીનોવેટ કરવાના મારી પાસે પૈસા નથી. તેથી હું તોડફોડ થયેલી હાલતવાળી ઓફિસમાં કામકાજ શરૂ કરીશ અને મુસીબતનો હિંમતપૂર્વક સામનો કરવાનો સ્ત્રીનો દ્રઢ નિશ્ચય કેવો હોય છે એ હું બતાવી દઈશ.

વતન મનાલીથી મુંબઈ પાછી ફર્યાં બાદ કંગનાએ એક વિડિયો નિવેદન બહાર પાડ્યું હતું જેમાં એણે ઉદ્ધવ ઠાકરેને તૂંકારે બોલાવીને એમ કહ્યું હતું કે, ‘ઉદ્ધવ ઠાકરે, તુજે ક્યા લગતા હૈ? કે તેં ફિલ્મ માફિયાની સાથે મળીને મારું ઘર તોડીને મારી સાથે મોટો બદલો લીધો છે. આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે. યાદ રાખજે.. બધું હંમેશાં એક સરખું રહેતું નથી. અને મને લાગે છે કે તેં મારી પર મોટો ઉપકાર કર્યો છે… મને એ તો ખબર હતી કે કશ્મીર પંડિતો પર કેવું વીત્યું હશે, આજે મેં મહેસુસ કર્યું છે. અને આજે હું આ દેશને વચન આપું છું કે હું માત્ર અયોધ્યા વિષય પર જ નહીં, પણ કશ્મીર વિશે પણ ફિલ્મ બનાવીશ.. હું દેશવાસીઓને જાગૃત કરીશ. મને હતું જ કે આવું કંઈક થશે તો ખરું… પરંતુ મારી સાથે એ થયું છે એની પાછળ કોઈક મતલબ છે, હેતુ છે… ઉદ્ધવ ઠાકરે આ જે ક્રૂરતા અને આતંક છે, એ મારી સાથે થયું એ સારું થયું… કારણ કે એનો કોઈક હેતુ છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]