15 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરુ થશે કુંભ મેળો, અનોખાં છે આયોજન

અમદાવાદ- પ્રયાગરાજ ખાતે આગામી ૧૫ જાન્યુઆરી, ૨૦૧૯ થી શરૂ થતાં કુંભમાં લોકોને પોતાની ભવ્ય પરંપરાઓ સાથે જોડાવાની તક મળશે. આ પાવન પ્રસંગનું આયોજન ચાર સ્થળે થાય છે. પ્રયાગરાજ ખાતે યોજાતો સમારંભ ભારત અને દુનિયામાં વિશેષ કુતૂહલ અને આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત લઈને આગામી મકર સંક્રાન્તિથી શરુ થતાં વિશ્વના સૌથી મોટા કુંભ મેળાની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું.

કુંભની શરૂઆત ગંગાજીની પૂજાથી થાય છે. ગત ૧૬ ડિસેમ્બર, ૨૦૧૮ ના રોજ વડાપ્રધાને ગંગાજીની પૂજા કરીને કુંભના કાર્યોનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વના સૌથી મોટા સમુદાય એકત્રિકરણમાં ભારતના ૬ લાખથી વધુ ગામડાંઓ ઉપરાંત વિદેશના ભક્તો પણ સામેલ થઈ રહ્યાં છે. ૫૦૦૦થી વધુ એનઆરઆઈ પણ કુંભની મુલાકાત લેશે.

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના સહયોગથી કુંભમાં છેલ્લા ૪૫૦ વર્ષમાં સૌ પ્રથમ વખત ‘અક્ષય વટ’ અને ‘સરસ્વતી કુપ’ ખાતે પ્રાર્થનાની તક પ્રાપ્ત થશે. કુંભનું આયોજન ત્રિવેણી સંગમ ખાતે કરાયું છે, પરંતુ કુંભ સમગ્ર પ્રયાગરાજ વિસ્તાર સાથે સંકળાયેલો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કુંભ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા દરેક સ્થળોનું સૌંદર્યીકરણ (beautification) કર્યું છે. કુંભની મુલાકાત લેનાર યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુગમતા માટે સૌ પ્રથમ વાર હવાઈ મુસાફરી, માર્ગ પ્રવાસ અને નદી માર્ગે પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રયાગરાજમાં કુંભનું આયોજન દર ૬ વર્ષે કરવામાં આવે છે. વિકાસ પ્રક્રિયાનું સાતત્ય જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે પ્રયાગરાજ મેળા ઓથોરિટીની રચના કરી છે. કુંભ સંબંધિ કામગીરી હેઠળ લોક કલ્યાણના ૬૭૧ કામો પૂરા કરવામાં આવ્યા છે. આમાંથી મોટા ભાગના પ્રોજેક્ટ વિકાસલક્ષી સ્થાયી કામોના છે.

ટ્રાફિકની આધુનિક અને સરળ સુવિધા

કુંભની મુલાકાતે આવનારા યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુગમતા માટે રાજ્ય સરકારે ટ્રાફિકની આધુનિક અને સરળ સુવિધા પ્રાપ્ત થાય તે માટે માત્ર છેલ્લા દોઢ વર્ષમાં ૯ ફ્લાયઓવરનું બાંધકામ પૂર્ણ કર્યું છે. બ્રીજ કોર્પોરેશને પ્રયાગરાજના શહેર વિસ્તારમાં હાઈકોર્ટ સામે  માત્ર ૧૪ માસના ગાળામાં સિંગલ પિલ્લર ઉપર ૪ લેન પહોળો અને ૩૨૫ મીટર લાંબો ફ્લાયઓવર ઉભો કરીને વિક્રમ સર્જ્યો છે.  સમાન પ્રકારે રામબાગ ખાતે ૧૬.૦૦ મીટરની ઉંચાઈએ માત્ર એક વર્ષના ગાળામાં ૧ કી.મી. લાંબો આરઓબી (ROB)નું નિર્માણ કરીને વધુ એક વિક્રમ સર્જવામાં આવ્યો છે. શહેરની ગીચ વસતિમાં ૬ રેલવે અંડરપાસ પહોળા કરીને એક વર્ષમાં ૪ લેનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કારણે પ્રયાગરાજના નાગરિકો માટે શહેરમાં ટ્રાફિકની હેરફેર ખૂબ જ સરળ બની છે. પ્રયાગરાજ શહેરની હોસ્પિટલોને આધુનિક તબીબી સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તબીબી સુવિધા વધારવા માટે નવી  યોજનાઓ અમલમાં મુકવામાં આવી  છે.

૧૫ જાન્યુઆરીથી શરૂ થનારો કુંભ અત્યાર સુધીનો સૌથી નવતર સમારંભ બની રહેશે. આ સમારંભમાં સમગ્ર દુનિયા સામેલ થઈ રહી છે. ૭૧ દેશોના રાજદૂતોએ આ ભવ્ય સમારંભની તૈયારીઓ નિહાળી છે. તેમણે કુંભ મેળા વિસ્તારમાં ત્રિવેણીના કાંઠે તેમના દેશના ધ્વજ લહેરાવ્યા છે. વારણસીમાં જાન્યુઆરીમાં એનઆરઆઈ ડે પ્રસંગે કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ફેબ્રુઆરી માસમાં ૧૯૨ દેશોના પ્રતિનિધિઓ કુંભની મુલાકાત લેશે.

મેળા વિસ્તારમાં નવા શહેરનું નિર્માણ

મેળા વિસ્તારમાં નવા શહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ૨૫૦ કી.મી. લાંબા માર્ગો અને ૨૨ પોન્ટુન બ્રીજ (હોડી આધારિત તરતા પૂલ) ની રચના કરવામાં આવી છે, જે દુનિયાની સૌથી મોટી કામચલાઉ નગરી બની રહેશે. મેળા વિસ્તારમાં ૪૦ હજારથી વધુ એલઈડી લાઈટસ વડે ઉજાસ ઉભો કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશના સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળશે

આ સમારંભમાં દેશના દરેક ભાગમાંથી લોકો  સામેલ થાય તે માટે રાજ્ય સરકાર દરેક રાજ્યમાંથી લોકો કુંભમાં આવે તેવા પ્રયાસો હાથ ધરી રહી છે. આ સમારંભમાં દેશના દરેક સાંસ્કૃતિક સમુદાયોનુ પ્રતિનિધિત્વ જોવા મળશે. ભારતના પ્રાચીન, સાંસ્કૃતિક વારસા આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત ફૂડ, ફેસ્ટીવલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં એક નવું ભારત ધબકી ઉઠશે.

કુંભ મેળામાં દરેક સાંસ્કૃતિક સમુદાયનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તેની ખાત્રી માટે ૩૦ વિષય આધારિત દરવાજા, ૨૦૦થી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમો, સાંસ્કૃતિક વિષયો ઉપર લેસર શો, ફૂડ કોર્ટ, વેન્ડીંગ ઝોન, પ્રદર્શનો અને ટુરિસ્ટ વૉકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વના સ્થળોના આગળના ભાગે લાઈટીંગ કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિ દર્શાવવા માટે ‘કલાગ્રામ’ અને ‘સંસ્કૃતિ ગ્રામ’ની વ્યવસ્થા કરવામાં આવી છે.

નવું એર સિવિલ ટર્મિનલ

પ્રયાગરાજમાં નવું એર સિવિલ ટર્મિનલ સ્થાપીને ભારત સરકારે ફ્લાઈટસની સંખ્યામાં ઐતિહાસિક વધારો કર્યો છે. પ્રયાગરાજને બેંગ્લોર, ઈંદોર, નાગપુર, પટના વગેરે જેવા શહેરો સાથે જોડવામાં આવ્યું છે અને પ્રવાસીઓ માટે ‘હેલિકોપ્ટર જોય રાઈડ’ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રવાસીઓને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સુવિધાઓ મળશે

કુંભની મુલાકાત લેનાર યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે રાજ્ય સરકારે આધુનિક અને આસાનીથી ઉપલબ્ધ સગવડો ઉભી કરી છે, જેમાં આવાસ, ભોજન, પ્રવાસ, પવિત્ર સ્નાન વગેરેનો સમાવેશ થાય છે. પ્રવાસીઓને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવા માટે કુંભ મેળા વિસ્તારમાં એક પ્રિમિયમ ટેન્ટ સીટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સૌ પ્રથમવાર કુંભ મેળા વિસ્તારને ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ અને કમાન્ડ સેન્ટર મારફતે સીસીટીવીની દેખરેખથી સજ્જ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટના ઈન્ટીગ્રેટેડે કન્ટ્રોલ અને કમાન્ડ સેન્ટર પ્રયાગ રાજને સમર્પિત કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થા વડે ટ્રાફિકની હેરફેરમાં સુગમતા થશે અને મેળામાં આવતા ટોળાઓ ઉપર ઝીણવટભરી નજર રાખી શકાશે. ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ અને કમાન્ડ સેન્ટરના ૧૪૦૦ થી વધુ સીસીટીવી કેમેરા મારફતે કુંભ મેળા વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ, સુરક્ષા અને વિડિયો એનાલિટીક્સની કામગીરી થઈ રહી છે.

સ્વચ્છતા પર વિશેષ ધ્યાન

પ્રયાગરાજ કુંભ ૨૦૧૯ દરમ્યાન રાજ્ય સરકાર સ્વચ્છતા ઉપર વિશેષ જોર દાખવી રહી છે. અગાઉના કુંભમાં ઓછી સંખ્યામાં ટોયલેટસને કારણે લોકોએ જાહેરમાં શૌચ જવું પડતું હતું. આ વખતે ૧,૨૨,૦૦૦ ટોયલેટસનું નિર્માણ કરવામાં આવ્યું છે તથા અગાઉના કુંભની તુલનામાં બમણાથી વધુ સંખ્યામાં સેનેટરી સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રયાગરાજમાંથી સ્વચ્છતાનો સંદેશ દેશના ખૂણે ખૂણે પહોંચશે. અગાઉના કુંભમાં માત્ર ૩૪,૦૦૦ ટોયલેટસનું બાંધકામ કરાયું હતું. ઉપરાંત ૨૦,૦૦૦ કચરાપેટીઓ મૂકવામાં આવી છે.

પ્રયાગરાજને હવાઈ, જળ અને રોડ માર્ગથી જોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સૌ પ્રથમ વાર ઈનલેન્ડ વોટર વેઝ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી છે. મેળા વિસ્તારમાં ૫ જેટ્ટી ઉભી કરવામાં આવી છે. આ જેટ્ટીઓ દ્વારા મોટી ક્રૂઝ અને મોટર બોટસની સુવિધા પ્રયાગરાજમાં સૌ પ્રથમવાર પ્રાપ્ત થશે.

પ્રયાગરાજ શહેરનું ભારતીય કલા અને સંસ્કૃતિના ચિત્રો દ્વારા સુંદર રીતે સુશોભન કરાયું છે. પ્રયાગરાજ શહેરની દિવાલો ભારતીય સંસ્કૃતિનું સુંદર ચિત્રણ કરે તે રીતે સુશોભિત કરાઈ છે. અદ્દભૂત ચિત્રો દ્વારા પ્રયાગરાજ અને ભારતની ભવ્યતા જળવાય તે રીતે સુશોભન કરાયું છે. ૨૦ લાખ ચો.મી.ની દિવાલો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝલક મુલાકાતીઓને ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.

કુંભ મેળામાં સૌ પ્રથમવાર ૧૦ હજાર વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા બે ગંગા પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ૧૦,૦૦૦ની બેઠક વ્યવસ્થા ધરાવતી પ્રવચન પંડાલ અને ૪ સાંસ્કૃતિક પેવેલિયનનો સમાવેશ કરાયો છે, જ્યાં સતત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ૨૦,૦૦૦ ભક્તો માટે રોકાણ માટે સામાન્ય વ્યવસ્થા થઈ શકે તે માટે સૌ પ્રથમવાર ગોઠવણ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોએ કુંભનું મહત્વ સમજીને કુંભને “માનવ જાતના અમૂર્ત સાંસ્કૃતિક વારસા” (Intangible Cultural Heritage of Humanity) તરીકે ઓળખાવ્યો છે.