આ વર્ષે લોકસભાની ચૂંટણી સાથે કદાચ જમ્મુ-કશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે

નવી દિલ્હી – આ જ વર્ષમાં લોકસભાની ચૂંટણીની સાથોસાથ,જમ્મુ અને કશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પણ  યોજવામાં કેન્દ્ર સરકારને કોઈ વાંધો નથી, એવું કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે.

આમ, કેન્દ્ર સરકાર આ સરહદીય રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવા તૈયાર નથી એવી અટકળોનો અંત આવી ગયો છે.

બંધારણની 356મી કલમ હેઠળ જમ્મુ-કશ્મીર રાજ્ય સંબંધિત રાષ્ટ્રપતિએ બહાર પાડેલા જાહેરનામા અંગે કેન્દ્ર સરકારની સ્થિતિ સ્પષ્ટ કરતાં રાજનાથ સિંહે ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ જ વર્ષમાં લોકસભાની ચૂંટણીની સાથોસાથ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કશ્મીર રાજ્યમાં રાજ્યપાલના શાસનના છ મહિનાની મુદત પૂરી થઈ ગયા બાદ કેન્દ્ર સરકારે ગઈ 19 ડિસેંબરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે.

 

રાજનાથ સિંહે કહ્યું કે જમ્મુ-કશ્મીરમાં આ કંઈ પહેલી જ વાર રાષ્ટ્રપતિનું શાસન લાગુ નથી કરાયું. ભૂતકાળમાં પણ આવું પગલું ભરવામાં આવી ચૂક્યું છે. તેથી ભાજપ-એનડીએ સરકારના ઈરાદા વિશે કોઈ શંકા રાખવાની જરૂર નથી.

‘જો ચૂંટણી પંચ ઈચ્છશે તો અમારી સરકારને પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં કોઈ વાંધો નહીં હોય,’ એમ રાજનાથ સિંહે કહ્યું હતું. હકીકત એ છે કે રાજ્યમાં નવી સરકાર રચવા માટે રાજકીય પક્ષો તરફથી કોઈ પહેલ જ કરવામાં આવી નહોતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]