કમલનાથે ભાજપ સરકારની મીસાકેદીઓ માટેની વધુ એક યોજના બંધ કરી

0
1227

ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે રાજ્યની પૂર્વવર્તી ભાજપ સરકારના અન્ય એક નિર્ણય પર રોક લગાવી દીધી છે. કમલનાથ સરકારે મીસાબંદીઓને આપવામાં આવતું પેન્શન રદ કરી દીધું છે. સરકારે આને ખોટો ખર્ચ ગણાવતા બંધ કરી દીધું છે. કમલનાથના આ નિર્ણય બાદ વિવાદ છેડાઈ ગયો છે.

ગત દિવસોમાં શિવરાજસિંહની સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના વંદે માતરમ ગાવાના નિયમ પર પણ મુખ્યપ્રધાન કમલનાથે રોક લગાવી દીધી હતી. હવે બીજેપી સરકાર દ્વારા 2008માં શરુ કરવામાં આવેલા મીસાબંદીઓના પેન્શન પર કમલનાથે તત્કાલ રોક લગાવી દીધી છે. સરકાર દ્વારા આ યોજના પર રોક લગાવવાના નિર્ણય બાદ કોંગ્રેસે કહ્યું કે ગત સરકારમાં કેટલાક ખાસ લોકો માટે આ પેન્શન યોજના શરુ કરવામાં આવી હતી. આના પર કરોડો રુપિયાનો ખોટો ખર્ચ થતો હતો. આ યોજનાનું ઓડિટ કરાવવાની જરુર છે.

ત્યારે આ મામલે રાજ્યના કાયદા પ્રધાન પીસી શર્માએ નિવેદન આપતા જણઆવ્યું હતું કે મીસાબંદી જેલ ગયા હતા તો તેમને પેન્શન મળી રહ્યું છે અમે પણ જેલમાં ગયા હતા. કોંગ્રેસીઓને પણ જેલ જવા માટે પેન્શન મળવું જોઈએ તો આપી દઈએ? જો કે કમલનાથ સરકારના આ નિર્ણય પર વિવાદ પણ સતત વધતો જઈ રહ્યો છે. સરકારે આ યોજનાની મામલે તપાસના આદેશ પણ આપ્યા છે.

સરકારના આ નિર્ણય પર કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે ઈન્દિરા ગાંધીના ત્રીજા દીકરાએ તેમનું પેન્શન રોકી દીધું જેમણે લોકતાંત્રિક મૂલ્યો માટે ઈમરજન્સી દરમિયાન ભારતના સૌથી કાળા દિવસોમાં લડાઈ લડી. તો લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે પણ કમલનાથ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો.