મુંબઈ: નાગરિકતા કાયદાને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન મુદ્દે ચર્ચા માટે એક કવિ-કાર્યકર્તાને એક કેબ ડ્રાઈવરે પોલીસ સ્ટેશનનો રસ્તો બતાવી દીધો. ઓલ ઈન્ડિયા પ્રોગ્રેસિવ વુમન્સ એસોસિએશનના સચિવ કવિતા કૃષ્ણને ગુરુવારે આ ઘટના અંગે ટ્વીટ કર્યું જે કથિત રીતે કવિ-કાર્યકર્તા બપ્પાદિત્ય સરકાર સાથે જોડાયેલુ છે.
કવિતા કૃષ્ણન દ્વારા ટ્વીટ કરવામાં આવેલા બપ્પાદિત્યના તથાકથિત નિવેદન અનુસાર, તેમણે બુધવારે રાતે લગભગ સાડા દસ વાગ્યે જુહૂથી કુર્લા જવા માટે ઉબર કેબ બુક કરાવી હતી. બપ્પાદિત્ય આ કેબમાં મુસાફરી કરી રહ્યા હતા એ દરમ્યાન તે મોબાઈલ ફોન પર તેમના મિત્ર સાથે દિલ્હીના શાહીન બાગમાં ‘લાલ સલામ’ નારાથી અસુવિધા અંગે વાત કરી રહ્યા હતા. આ વાત સાંભળી રહેલા કેબના ડ્રાઈવરે ગાડી રસ્તામાં રોકી અને એટીએમમાંથી પૈસા કાઢવાના બહાને તે ગાડીમાં ઉતરી ગયો. ડ્રાઈવર જ્યારે પરત આવ્યો તો તેમની સાથે બે પોલીસકર્મીઓ હતા. પોલીસે બપ્પાદિત્યને કથિત રીતે પૂછયું કે, તેમની પાસે ડફલી શા માટે છે અને તેમનું એડ્રેસ પણ પૂછયું.
નિવેદન અનુસાર બપ્પાદિત્યએ પોલીસકર્મીઓને કહ્યું કે, તે જયપુરનો રહેવાસી છે અને મુંબઈ બાગમાં થઈ રહેલા સીએએ વિરોધ પ્રદર્શનમાં ગયો હતો. કેબ ડ્રાઈવરે પોલીસને કહ્યું કે, તે બપ્પાદિત્યની અટકાયત કરે કારણ કે, તે ફોનમાં કહી રહ્યો હતો કે, તે કોમ્યુનિસ્ટ છે ને દેશને સળગાવવાની વાત કરી રહ્યો હતો. કેબ ડ્રાઈવરે એવો પણ દાવો કર્યો કે, ફોન પર થયેલી વાતને રેકોર્ડ પણ કરી છે. નિવેદનમાં કહેવામા આવ્યું કે, ત્યારપછી બપ્પાદિત્યને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ટ્વીટમાં પોલીસ સ્ટેશનના નામનો ઉલ્લેખ નથી.
બપ્પાદિત્યએ પોલીસને વાતચીત સાંભળવાનો આગ્રહ કર્યો, જેથી ડ્રાઈવરના દાવાની ખાતરી થઈ શકે. ડ્રાઈવરે કવિ-કાર્યકર્તાને કથિત રીતે એમ પણ કહ્યું કે, તમે લોકો દેશને બરબાદ કરી દેશો. તો શું તમે એવી આશા રાખો છો કે અમે ચુપચાપ બેસીને તમને જોતા રહીશું. કેબના ડ્રાઈવરે એમ પણ કહ્યું કે, બપ્પાદિત્યએ તેમનો આભાર માનવો જોઈએ કે,તે તેમને અન્ય કોઈ જગ્યાએ લઈ જવાને બદલે પોલીસ સ્ટેશન લઈ ગયો. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસે કવિ સાથે નરમ વલણ દાખવ્યું અને તેમને તેમજ ડ્રાઈવરને નિવેદન નોંધાવવા પણ કહ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાતે લગભગ એક વાગ્યાની આસપાસ કોમ્યુનિસ્ટ કાર્યકર્તા એસ ગોહિલ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યાર પછી બપ્પાદિત્ય સરકારને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યાં. કૃષ્ણન દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર પોલીસે બપ્પાદિત્યને સલાહ આપી કે તે ડફલી સાથે ન રાખે અને લાલ સ્કાર્ફ ન પહેરે, કારણ કે માહોલ ખરાબ છે અને તેમની સાથે કંઈ પણ થઈ શકે છે.
કવિતા કૃષ્ણને આ ટ્વીટમાં મુંબઈ પોલીસ અને ઉબરને પણ ટેગ કર્યું છે. પોલીસે તેમના ટ્વીટના જવાબમાં કહ્યું કે, તે આ મામલે વિસ્તૃત જાણકારી આપે. ટ્વીટર હેન્ડલ ઉબર ઈન્ડિયા સપોર્ટે કહ્યું કે, ઘટના ચિંતાજનક છે. અમે પ્રાથમિકતાના આધાર પર આ ઘટનાનું સમાધાન કરવા ઈચ્છીએ છીએ. કૃપા કરીને જેના દ્વારા કેબ બુક કરાવવામાં આવી એની રજીસ્ટર માહિતી શેર કરો.