ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને 100 ટકા અનામતની કર્ણાટકની જાહેરાત

બેંગલુરુઃ કર્ણાટક કેબિનેટે પ્રાઇવેટ ક્ષેત્રના ગ્રુપ C અને D પદો પર કન્નડ લોકો એટલે કે કર્ણાટકના સ્થાનિક લોકોને 100 ટકા અનામત અનિવાર્ય કરવાવાળા બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલમાં મેનેજમેન્ટ (50 ટકા) અને નોન-મેનેજમેન્ટ (70 ટકા) પદો માટે સ્થાનિક ઉમેદવારોની ભરતીની વાત કરવામાં આવી છે અને એનું પાલન ના કરનારી કંપનીઓને દંડ કરવાની જોગવાઈ પણ આ કાયદામાં છે. આ બિલમાં પ્રસ્તાવિત એવી કડક જોગવાઈઓ પર ઉદ્યોગ નિષ્ણાતો પોતાના વાંધા જણાવ્યા છે.  

કર્ણાટકની કોંગ્રેસ સરકાર વધુ એક વખત વિવાદોમાં સપડાઈ છે. CM સિદ્ધારમૈયાના નેજા હેઠળની કર્ણાટક કેબિનેટે ખાનગી ક્ષેત્રમાં કન્નડ લોકો માટે 100 ટકા આરક્ષણ ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપી છે.

સિદ્ધારમૈયાએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં રાજ્યના તમામ ખાનગી ઉદ્યોગોમાં ‘C અને D’ ગ્રેડની પોસ્ટ માટે 100 ટકા કન્નડ લોકોની ભરતી ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપવામાં આવી છે. અમારી સરકારની ઇચ્છા છે કે કન્નડ ભૂમિમાં કન્નડ લોકો નોકરીઓથી વંચિત ન રહે અને તેમને માતૃભૂમિમાં આરામદાયક જીવન જીવવાની તક મળે તે હેતુસર નિર્ણય લેવામાં આવ્યો છે.

સિદ્ધારમૈયાએ તેમની સરકારને કન્નડતરફી ગણાવી હતી અને કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા કન્નડ લોકો છે અને કન્નડ સંસ્કૃતિના કલ્યાણની સંભાળ રાખવાની છે.

ઇન્ફોસિસના ભૂતપૂર્વ CEO મોહનદાસ પાઇએ પણ બિલની આલોચના કરતાં X પર પોસ્ટમાં કહ્યું હતું કે આ બિલને રદ કરવામાં આવવું જોઈએ. એ ભેદભાવપૂર્ણ, રાજ્યને પાછળ ધકેલનારું અને બંધારણની વિરુદ્ધ છે. શું સરકાર એ પ્રમાણિત કરશે કે અમે કોણ છીએ? આ એક ફાસીવાદી બિલ છે, જે એનિમલ ફાર્મની યાદ અપાવે છે.