નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોનાવાઈરસ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ જાણકારી ભાજપના નેતા અને સંસદસભ્ય મનોજ તિવારીએ આજે ટ્વીટ કરીને આપી છે.
ખતરનાક એવા કોરોનાનો ચેપ લાગ્યા બાદ અમિત શાહ છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હી નજીકના ગુરુગ્રામ (હરિયાણા)ની મેદાંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યાં એમની તબિયત સારી છે.
આમ છતાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માત્ર એટલું જ કહ્યું છે કે હોસ્પિટલ તરફથી અમિત શાહની તબિયત વિશે સત્તાવાર હેલ્થ બુલેટિન બહાર પાડવામાં ન આવે કે સરકાર દ્વારા કે અમિત શાહના પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપવામાં ન આવે ત્યાં સુધી તે આ વિશે કંઈ જ નહીં કહે. અમને જાણ છે ત્યાં સુધી અમિત શાહનો ફરી કોરોના ટેસ્ટ કરાયો જ નથી. ગૃહ મંત્રાલયે આમ જણાવ્યા બાદ મનોજ તિવારીએ પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધી હતું.
અમિત શાહના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધવાનું કામ વ્યાપક રીતે ચાલુ રહ્યું છે. અમિત શાહે પણ એ સૌને સેલ્ફ-આઈસોલેશનમાં રહેવાનું જણાવ્યું હતું.
55 વર્ષીય અમિત શાહે ગયા બુધવારે એક કેબિનેટ મીટિંગમાં હાજરી આપી હતી. એમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સહિત તમામ ટોચના પ્રધાનોએ હાજરી આપી હતી. એ બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. એ મીટિંગમાં આરોગ્ય સુરક્ષાને લગતા તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે 43,379 લોકોનાં મરણ નિપજ્યા છે. ગયા શનિવારથી 24 કલાકમાં 861 વધુ જણના મરણ નિપજ્યા હતા. ભારતમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા 21,53,011 પર પહોંચી છે. એમાં 6,28,747 સક્રિય કેસો છે. ભારતનો રીકવરી રેટ 68.78 છે.