પ્રિયંકા ગાંધીના ઘરે સુરક્ષામાં ખામી: શું કહયું અમિત શાહે?

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) બિલ વિશે નિવેદન આપ્યું હતું. શાહે કહ્યું હતું કે, આ બિલમાં અમે પાંચમું સંશોધન કર્યું છે અને તે ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવ્યું. હા, આ પહેલાં 4 સુધારા કરવામાં આવ્યા હતા…તે ખરેખર એક પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. વિવાદો અને હોબાળા પછી અંતે આજે લોકસભા અને રાજ્યસભામાં એસપીજી બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે ગયા મહિને ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લેવાનો નિર્ણય કર્યો હતો. હવે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષા વ્યવસ્થા સીઆરપીએફને સોંપી દેવામાં આવી છે.

અમિત શાહે આજે ગૃહમાં ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પાછી ખેંચી લેવાનો જવાબ આપ્યો અને સાથે જ 25 નવેમ્બરે ખરેખર પ્રિયંકા ગાંધીના ઘરે શું થયું હતું તે પણ જણાવ્યું. શાહે સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના ઘરે જે સિક્યોરિટી છે તેમાં રાહુલ ગાંધી, રોબર્ટ વાડ્રા અને સોનિયા ગાંધી સુરક્ષા તપાસ વગર જ એન્ટ્રી લઈ શકે છે. પ્રિયંકાના ઘરે પરિવારના લોકોની તપાસ નથી થતી. તે દિવસે સુરક્ષાકર્મીઓને એક સુચના મળી કે, રાહુલ ગાંધી એક કાળા રંગની સફારી કારમાં ઘરે મળવા આવી રહ્યા છે. એજ સમયે એક કાળા રંગની સફારી કાર આવી પરંતુ આ ગાડીમાં મેરઠના કોંગ્રેસી નેતા શારદા ત્યાગી હતા. જે સમયે રાહુલ ગાંધી આવવાના હતા તે સમયે જ તે મહિલા નેતા પહોંચી. આ એક અચાનક બનેલી ઘટના હતી. અંતે આ મામલે ત્રણ સુરક્ષા કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ઉચ્ચસ્તરિય તપાસનો આદેશ પણ આપવામાં આવ્યા હતા.

અમિત શાહે રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને ગોપનીય રાખવાની હોય છે. આવી જાણકારી પ્રેસ ન આપવી જોઈએ. પણ જો રાજનીતિ જ કરવી હોય તો પ્રેસને આપી શકો છો, નહીંતર એક ગોપનીય પત્ર મને લખી શકતા હતા.

તો આ તરફ પ્રિયંકાના ઘરે પહોંચેલી શારદા ત્યાગીએ કહ્યું કે, જ્યારે હું ત્યાં પહોંચી તો સિક્યોરિટી તપાસ વગર વેરિકેડ હટાવી દેવામાં આવ્યા. સુરક્ષા કર્મીઓએ એ પણ ન જોયું કે, કારમાં કોણ બેઠું છે, બેરિકેડ તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા અને ગેટ ખોલી દેવામાં આવ્યો.