મુસ્લિમ પક્ષના વકીલ ધવન બોલ્યાઃ ખોટા કારણથી હટાવવામાં આવ્યો

નવી દિલ્હીઃ અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવને દાવો કર્યો છે કે મુસ્લિમ પક્ષે તેમને કેસના કામમાંથી હટાવી દીધા છે. રાજીવ ધવને પોતે ફેસબુક પોસ્ટ દ્વારા આ ખુલાસો કર્યો છે. ધવને લખ્યું છે કે મને કેસમાંથી હટાવી દેવામાં આવ્યો કારણ કે મારી તબિયત સારી નથી રહેતી. પરંતુ આવું કંઈ જ નથી. આ એકદમ અર્થ વગરનું કારણ આપવામાં આવ્યું છે. જમીયતને એ અધિકાર છે કે તે મને કેસમાંથી હટાવી દે પરંતુ કારણ તો સાચુ જણાવો. જમીયતની દલીલ ખોટી છે.   

તો જમીયતના વકીલ એજાજ મકબૂલ જણાવે છે કે એ કહેવું ખોટું છે કે બીમાર હોવાના કારણે રાજીવ ધવનને હટાવી દેવામાં આવ્યા. હકીકતમાં જમીયત સોમવારના રોજ પૂનર્વિચાર અરજી દાખલ કરવા ઈચ્છતા હતા. પરંતુ રાજીવ ધવન ઉપ્લબ્ધ નહોતા એટલા માટે તેમની સલાહ લીધા વગર જ પૂનર્વિચાર અરજી દાખલ કરી દેવામાં આવી.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા સમર્થિત અન્ય પક્ષકારોના વકીલ એમ આર શમશાદે કહ્યું કે રાજીવ ધવન તેમના દ્વારા કેસમાં વકીલ રહેશે. પક્ષકાર રાજીવ ધવન સાથે મળીને તેમના દ્વારા કેસ લડવા માટે મનાવવાનો પ્રયત્ન કરશે. ધવને આ કેસમાં મુસ્લિમ પક્ષકારો દ્વારા ખૂબ મહેનત કરી છે. એટલા માટે ભલે જમીયતે તેમને કેસમાંથી હટાવી દીધા હોય પરંતુ બીજા પક્ષકાર તેમને વકીલ તરીકે ઈચ્છે છે.

અયોધ્યા મામલે જમીયત-ઉલેમા-એ-હિંદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી કરવામાં આવી છે. અરજી એમ સિદ્દીકી દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસેથી 9 નવેમ્બરના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. સુત્રો અનુસાર જમીઅતે કોર્ટના નિર્ણયના એ ત્રણ પોઈન્ટ પર ફોકસ કર્યું છે કે જેમાં ઐતિહાસિક ભૂલોનો ઉલ્લેખ છે પરંતુ નિર્ણય આનાથી વિપરિત આવ્યો છે.