મોદી-પ્રધાનમંડળનું વિસ્તરણઃ સોનોવાલ, સિંધિયાને કદાચ સ્થાન મળે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમના પ્રધાનમંડળનું વિસ્તરણ કરે એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ભાજપના બે વગદાર નેતા – સર્બાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હી આવી ગયા છે. કહેવાય છે કે આ બંનેને મોદી એમની કેબિનેટમાં સ્થાન આપે એવી ધારણા છે. મોદીની કેબિનેટનું 8 જુલાઈના બુધવારે બપોરે 3.30 વાગ્યે વિસ્તરણ કરવામાં આવે એવા અહેવાલો છે. સોનોવાલ આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન છે જ્યારે સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે અને મધ્ય પ્રદેશમાં પાર્ટીના વગદાર નેતા છે.

સિંધિયાએ આજે દિલ્હી રવાના થતા પહેલાં ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. બીજી બાજુ, સોનોવાલ ગુવાહાટીથી દિલ્હી જવા રવાના થયા હતા. પીએમ મોદીએ 2019માં લોકસભાની ચૂંટણી જીતીને કેન્દ્રમાં પોતાની સરકારને જાળવી રાખ્યા બાદ તે આ પહેલી જ વાર એમની કેબિનેટનું વિસ્તરણ કરશે. આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેથી ત્યાંના નેતાઓને મોદી એમની ટીમમાં સ્થાન આપે એવું કહેવાય છે. થાવરચંદ ગેહલોત સહિત આઠ નેતાઓને જુદા જુદા રાજ્યોના ગવર્નર બનાવવામાં આવ્યા છે. આમ, મોદીની કેબિનેટમાં અનેક પદ ખાલી પડ્યા છે.