અંબાણીએ ગુરુવાયુર મંદિરમાં રૂ.1.51 કરોડનું દાન કર્યું

ગુરુવાયુરઃ અબજોપતિ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી હાલ દેશના અમુક પ્રસિદ્ધ મંદિરોની દર્શન-યાત્રા કરી રહ્યા છે. ગઈ કાલે એમણે કેરળના અત્રેના ગુરુવાયુરપ્પન (ભગવાન વિષ્ણુના એક અવતાર)ના મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાં એમણે પૂજા-પ્રાર્થના કરી હતી અને મંદિરના ‘અન્નદાનમ’ ભંડોળમાં રૂ. 1.51 કરોડની રકમ દાનમાં આપ્યાનો અહેવાલ છે.

અંબાણી દ્વારા ગુરુવાયુર મંદિરની મુલાકાત તથા એમની તરફથી મંદિરને દોઢ કરોડ રૂપિયાનું દાન મળ્યાને મંદિરના સંચાલક મંડળના એક વરિષ્ઠ અધિકારીએ સમર્થન આપ્યું હતું. મુકેશ અંબાણી સાથે એમના નાના પુત્ર અનંતના ફિયાન્સી રાધિકા મરચંટ પણ હતાં. અધિકારીએ કહ્યું કે, મંદિરમાં રૂ. 50 કરોડના ખર્ચે એક નવું મેડિકલ કેન્દ્ર બાંધવાની એક યોજનાની અંબાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને એ માટે તેમના તરફથી આર્થિક સહાયતાની માગ કરવામાં આવી હતી. એ વિશે પોતે વિચારશે એમ અંબાણીએ કહ્યું હતું.

મુકેશ અંબાણીનું નામ દુનિયાના ટોપ-10 શ્રીમંતોની યાદીમાં સામેલ છે. તેઓ 92.2 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં 8મા ક્રમે છે. એમની રિલાયન્સ જિયો કંપની ટૂંક સમયમાં જ દેશમાં 5G ટેલિકોમ સેવા શરૂ કરવાની છે.