શ્રીનગર- અમરનાથ યાત્રા દરમિયાન ભક્તો ભગવાન શિવનો મંત્રોચ્ચાર અને જયઘોષ કરતા હોય છે. સાથે જ અનેક જગ્યાઓ પર ઘંટારવ પણ કરવામાં આવતો હોય છે. જોકે હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલના (NGT) તુઘલકી ફરમાનને કારણે શિવભક્તો યાત્રા દરમિયાન પવિત્ર ગુફાની સીડીઓ શરુ થતાં જ ત્યાં ઘંટડીઓ નહીં વગાડી શકે અને જયઘોષ પણ નહીં કરી શકે.
આ અંગે NGTએ જણાવ્યું છે કે, હિમાલયમાં લેન્ડસ્લાઈટની ઘટનાઓ રોકવા માટે આ પ્રકારનું ફરમાન જારી કરવામાં આવ્યું છે. ઉપરાંત યાત્રીઓના મોબાઈલ ફોનના વપરાશ ઉપર પણ પ્રતિબંધ મુકવાની વાત જણાવવામાં આવી છે.
NGTએ અમરનાથને સાઈલેન્સ ઝોન જાહેર કરવાનો આદેશ જારી કર્યો છે. NGTએ જણાવ્યું કે, ધ્વનિ પ્રદૂષણને કારણે હિમાલયમાં લેન્ડસ્લાઈડનો ભય વધી જાય છે. જેથી તેને સાઈલેન્સ ઝોન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત પ્રવાસીઓની સંખ્યા પણ મર્યાદિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જોકે NGTના આ તુઘલકી આદેશ પર વિવાદ પણ સર્જાયો છે. ભાજપ સરકારે NGTના આ આદેશને હિન્દુ વિરોધી ગણાવ્યો છે. ભારતીય જનતા પક્ષના દિલ્હી પ્રદેશના પ્રવક્તા તેજિંદરપાલ બગ્ગાએ કહ્યું કે, ‘તેઓ અમરનાથ યાત્રાએ જશે અને ત્યાં બમબમ ભોલે અને હર હર મહાદેવનો જયઘોષ પણ કરશે. NGTમાં હિમ્મત હોય તો મને અટકાવે’.
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ NGTએ વૈષ્ણોંદેવી યાત્રાને લઈએ એક ફરમાન જારી કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક દિવસમાં ફક્ત 50 હજાર યાત્રીઓ જ માતા વૈષ્ણોંદેવાના દર્શને જઈ શકશે. NGTના આદેશ પર માતા વૈષ્ણોંદેવી શ્રાઈન બોર્ડે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે NGTના આદેશ પર રોક લગાવી હતી.