આજે પ્રયાગરાજમાં ક્યા ત્રણ વિશ્વ વિક્રમ નોંધાયા?

પ્રયાગરાજ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા છે. પ્રયાગરાજમાં યોજાયેલા દિવ્યાંગ મહાકુંભમાં વડાપ્રધાન એક સાથે 26,791 દિવ્યાંગો અને વૃદ્ધોને તેમને મદદ કરતાં સાધનો વહેંચ્યા હતાં. આ સમારોહના એક દિવસ પહેલા જ એટલે કે શુક્રવારે અહીં ત્રણ વર્લ્ડ રેકોર્ડ બન્યા હતા. પ્રથમ વિશ્વ કીર્તિમાન દિવ્યાંગજનો દ્વારા 1.8 કિમીની પરેડ વ્હિલચેર પર કરવામાં આવી. આ ટ્રાઇ સાયકલ પરેડની વિડિયો અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી જેમાં 300થી વધુ દિવ્યાંગો જોડાયા હતા. આ રેકોર્ડ પહેલા યુએઈના નામે હતો.

આ ભવ્ય અને દિવ્ય સમારોહ પહેલા અનેક રેકોર્ડ તોડવા અને કેટલાક નવા રેકોર્ડ બનાવવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. લંડનથી શુક્રવારે પ્રયાગરાજ પહોંચેલી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની 60 સભ્યોની ટીમે ત્રણ રેકોર્ડ નોંધ્યા. ટીમે અન્ય રેકોર્ડ માટે દિવ્યાંગજનોની સંખ્યા, સમય અને જગ્યા ઓછી હોવાનું જણાવ્યું.

તો શનિવારે સવારે 600 વ્હિલચેરની સૌથી લાંબી પરેડ અને લાઈનનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. જેમાં 400 વ્હિલચેર સામેલ થઈ જેના પર દિવ્યાંગજનો બેઠા હતા. તેના એક કલાક પછી 600 ટ્રાઇ સાયકલોના વિતરણનો વિશ્વ રેકોર્ડ પરેડ મેદાન સ્થિત કાર્યક્રમ સ્થળ પર નોંધાયો. આ તમામ વિશ્વ રેકોર્ડના પ્રમાણપત્ર શનિવારે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ એનાયત કર્યા. પીએમ મોદી આ પ્રમાણપત્રો મુખ્યમંત્રીને સોંપશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ આજે ચિત્રકૂટથી ગોંડા ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો. આ એક્સપ્રેસ વે ચાર લેનનો હશે. તેનું વિસ્તરણ છ લેન સુધી કરવામાં આવશે. એક્સપ્રેસ વે ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઉરઈ અને ઈટાવા જિલ્લાથી પસાર થઈને આગરા એક્સપ્રેસ વે સાથે જોડાશે. 6 પેકેજમાં બનનાર એક્સપ્રેસ વેનો ખર્ચ અંદાજે 15 હજાર કરોડ રૂપિયા હશે. ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ જશે. તેના કિનારે ડિફેન્સ કોરિડોર પણ વિકસાવવામાં આવશે.