ઉત્તર-પૂર્વ દિલ્હીની ‘હવા’ હવે નવી દિલ્હીમાં: મેટ્રો સ્ટેશન પર લાગ્યા નારા

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 42 લોકો મૃત્યુ થયા છે. અને 200થી વધારે લોકો ઘાયલ થયા છે. પોલીસ પણ આ મામલે હજુ સતર્ક રીતે કામ કરી રહી છે. ત્યારે હવે આ હવા નવી દિલ્હી તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

દિલ્હીના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર શનિવારે સવારે કેટલાક યુવકોના એક જૂથે દેશના ગદ્દારોને ગોલી મારોના નારા લગાવ્યા હતા. સામાન્ય દિવસોની માફક સ્ટેશન પર યાત્રીઓની અવર-જવર હતી, તે સમયે સફેદ શર્ટ અને માથા પર રૂમાલ રાખી કેટલાક યુવકો અચાનક દેશના ગદ્દારોને ગોળી મારો…ના નારા લગાવવા લાગ્યા હતા. આ નારા લગાવવામાં આવતા સ્ટેશન પર ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સુરક્ષા દળોએ 6 યુવકોની અટકાયત કરી પોલીસને સોંપી દીધા હતા. તેમની પૂછપરછ ચાલી રહી છે.

મેટ્રો સ્ટેશન પર સૂત્રોચ્ચારનો વિડિયો વાઈરલ થયો છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (DMRC)ના જણાવ્યા પ્રમાણે આ ઘટના સવારે 10:52 વાગે થઈ હતી. સ્ટેશન પર કોઈ પણ પ્રકારનું પ્રદર્શન કરવા પર પ્રતિબંધ છે. સ્ટેશન પર એક ટ્રેન રોકાવાની હતી ત્યારે કેટલાક યુવકોએ નારા લગાવવાની શરૂઆત કરી હતી. આ યુવકોએ CAAની તરફેણમાં પણ નારા લગાવ્યા હતા.