નવી દિલ્હી: રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમન બબુશ્કિને શુક્રવારે કહ્યું કે, ભારતને તમામ એસ-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમો 2025 સુધીમાં પુરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે, ભારતને આપવામાં આવનારી એસ-400 મિસાઈલોનું નિર્માણ કામ શરુ થઈ ગયું છે. વિદેશ મંત્રી એસ.જયશંકર રશિયા-ભારત-ચીન ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લેવા માટે 22 અને 23 માર્ચે રશિયા જશે. અગાઉ એસ-400 માત્ર રશિયા પાસે જ હતી.
આ મિસાઈલોનું નિર્માણ અલ્માત-એન્તે કરે છે અને આ 2007થી રશિયાના બેડામાં સામેલ છે. મહત્વનું છે કે, એસ-400 ખરીદનારો ભારત ત્રીજા નંબરનો દેશ છે. ચીને પણ રશિયા પાસેથી આ મિસાઈલો ખરીદી છે. આ મિસાઈલ સિસ્ટમ બેજોડ છે જેનું પુરું નામ એસ-400 ટ્રાયમ્ફ છે જેને નાટો દેશોમાં એસએ-21 ગ્રોલરના નામથી ઓળખવામાં આવે છે. આ લાંબા અંતરની જમીન સ્તરથી હવામાં હુમલો કરી શકે છે. એસ-400નો સૌ પ્રથમ વખત 2007માં ઉપયોગ થયો હતો આ મિસાઈલ એસ-300નું અપડેટેડ વર્ઝન છે.
આ મિસાઈલ સિસ્ટમમાં એક સાથે અનેક સિસ્ટમ લાગી હોવાને કારણે આની વ્યૂહાત્મક ક્ષમતા ઘણી મજબૂત હોવાનું માનવામાં આવે છે. આની મારક ક્ષમતા અચૂક છે કારણ કે તે એક સાથે ત્રણ દિશાઓમાં મિસાઈલો છોડી શકે છે. 400 કિમીની રેન્જમાં એક સાથે અનેક લડાકૂ વિમાન, બેલેસ્ટિક તેમજ ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન પર હુમલો કરી શકે છે.
આ મિસાઈલ સિસ્ટમને જમીનથી હવામાં હુમલો કરવા માટે વિશ્વનું સૌથી ખતરનાક હથિયાર માનવામાં આવે છે. આ સિસ્ટમ એરક્રાફ્ટ, ક્રૂઝ મિસાઈલ અને પરમાણુ મિસાઈલને 400 કિમી પહેલા જ નષ્ટ કરી શકે છે. આ મિસાઈલમાં મુખ્યત્વે ત્રણ વસ્તું જોડેલી હોય છે જેમાં મિસાઈલ લોન્ચર, શક્તિશાળી રડાર અને કમાન્ડ સેન્ટર.
એસ-400માં રહેલુ રડાર 600 કિમી દૂરના લક્ષ્યને જોઈ શકે છે. એના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે દુશ્મન માટે આ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે, આ સિસ્ટમ મારફતે કોઈ પણ સૈન્ય અભિયાનને વાયુસેના તરફથી મળતી મદદને જબરજસ્ત રીતે પ્રભાવિત કરી શકે છે. રશિયાએ આ સિસ્ટમ મારફતે સીરિયામાં સ્થાપિત તેમના સૈન્ય કેમ્પોનું સરળતાથી રક્ષણ કરે છે. સીરિયાની સરહદ પાર ઉડતા ફાઈટર પ્લેનને પણ નિશાન બનાવે છે.
એસ-400 કોઈ પણ પ્રકારના આધુનિક ફાઈટર પ્લેનને સરળતાથી ટાર્ગેટ કરી શકે છે. આધુનિક જેટ ફાઈટર જે હાઈ ટેક્નીકથી સજ્જ હોવા છતાં આ સિસ્ટમ સામે પાણી બરાબર કહેવાય. 2007માં આનો પ્રથમ વખત ઉપયોગ મોસ્કોની સુરક્ષા માટે કરવામાં આવ્યો હતો. આ મિસાઈલના લોન્ચરથી 48N6 સીરિઝની મિસાઈલો લોન્ચ કરી શકાય છે જેના મારફતે મોટી તબાહી મચાવી શકાય છે.
એસ-400ની તુલના અમેરિકાની પેટ્રિઓટ એન્ટી બેલિસ્ટિક મિસાઈલ અને એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ સાથે કરવામાં આવે છે. ચીને આ સિસ્ટમને અગાઉ જ ખરીદી લીધી છે પણ હજું સુધી એ નથી જાણી શકાયે કે ચીને આ સિસ્ટમમાં કઈ મિસાઈલો લગાવી છે.
