બેંગલુરુઃ શહેરમાં અજાનના સમયે હનુમાન ચાલીસા વગાડવાને લઈને એક દુકાનદાર અને લોકોના એક જૂથની વચ્ચે વિવાદને લઈને વિરોધ પ્રદર્શન થયું હતું. એ દુકાનદારની એટલા માટે મારપીટ કરવામાં આવી, કેમ કે તે દુકાનમાં હનુમાન ચાલીસા સાંભળી રહ્યો હતો. વિવાદ વધ્યો તો કેટલાક હિન્દુ સંગઠનો રસ્તા પર ઊતરી આવ્યાં. રાજ્યની પોલીસે કલમ 144 લાગુ કરી દીધી છે. તેજસ્વી સૂર્યા પણ રસ્તા પર વિરોધમાં ઊતર્યા હતા. પોલીસે તેમને હિરાસતમાં લીધા હતા.
અહેવાલ મુજબ પ્રદર્શનકારીઓએ ભગવા ઝંડા લહેરાવતાં જય શ્રીરામનો સૂત્રોચ્ચાર કર્યો હતો. રવિવારે અજાનના સમયે ઊંચી અવાજમાં હિન્દુ ભક્તિ ભજન વગાડવા પર એક દુકાનદારને લોકોના એક જૂથે મારપીટ કરી હતી. બેંગલુરુ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
ભાજપે આ ઘટનાની નિંદા કરી હતી અને રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો. ભાજપ નેતા આર. અશોકે રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા પર નિષ્ફળ જવા બદલ કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો હતો. ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ પણ આ ઘટના પર વાત કરતાં સોશિયલ મિડિયા પર લખ્યું હતું કે કોંગ્રેસ કર્ણાટકમાં હિન્દુઓને ત્રીજા દરજ્જાના નાગરિક કહીને નજરઅંદાજ કરી રહી છે.
શું કહ્યું દુકાનદારે?
આ ઘટના સંબંધે દુકાનદારે કહ્યું હતું કે હું દુકાન પર હનુમાન ચાલીસા સાંભળી રહ્યો હતો, ત્યારે પાંચથી વધુ મુસ્લિમ લોકો આવ્યા હતા અને મારી સાથે દલીલ કરીને હુમલો કરી દીધો હતો. જોકે મારા સમર્થનમાં લોકો આવતાં મને સારું લાગ્યું હતું. દુકાનદાર અને મુસ્લિમો વચ્ચે ચડસાચડસીમાં એક મુસ્લિમ યુવકે દુકાનદાર પર ચાકુથી હુમલો કર્યો હતો.
