નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય એજન્સી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને સૂચન કર્યું છે કે જે વિમાન મુસાફરો કોરોનાવાઈરસ-વિરોધી નિયંત્રણોનું પાલન ન કરે એમને ‘નો-ફ્લાઈ’ યાદીમાં મૂકી દેવા જોઈએ. ઉપરાંત, ફ્લાઈટમાં કે એરપોર્ટ પરિસરમાં નિયંત્રણોનું ઉલ્લંઘન કરનાર એવા મુસાફરો તથા અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે કડક પગલું ભરવાની ફ્લાઈટ કેબિન ક્રૂ સભ્યો તથા એરપોર્ટ સ્ટાફને સત્તા આપવી જોઈએ.
કાર્યવાહક ચીફ જસ્ટિસ વિપીન સાંઘી અને ન્યાયમૂર્તિ સચીન દત્તાની વિભાગીય બેન્ચે કહ્યું છે કે કોરોનાવાઈરસ મહામારી હજી સમાપ્ત થઈ નથી અને વારંવાર એક યા બીજી રીતે દેખા દઈ રહી છે તેથી કોરોના-નિયંત્રણ પગલાંનો કડક રીતે અમલ કરાય તે અત્યંત જરૂરી છે, ખાસ કરીને વિમાન જેવી બંધ જગ્યાઓમાં.
