નવી દિલ્હીઃ ગઈ 14 ઓગસ્ટે દિલ્હીથી હોંગકોંગ ગયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના 14 પ્રવાસીઓનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હોંગકોંગ સરકારે આદેશ આપ્યો છે કે ઓગસ્ટના અંત સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સને હોંગકોંગમાં ઉતારવા દેવામાં નહીં આવે.
હોંગકોંગ સરકારે ગયા જુલાઈમાં બહાર પાડેલા નિયમો અનુસાર, ભારતમાંથી કોઈ પણ પ્રવાસી એ શરતે જ હોંગકોંગમાં પ્રવેશી શકશે જો એની પાસે કોવિડ-19 નેગેટિવ રિપોર્ટવાળું સર્ટિફિકેટ હોય, જેની ટેસ્ટ એણે તેની સફર શરૂ કર્યાના 72 કલાક પહેલા કરાવી હોય.
હોંગકોંગના આરોગ્ય વિભાગના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગઈ 14 ઓગસ્ટે એર ઈન્ડિયાની જે ફ્લાઈટ ભારતથી હોંગકોંગ આવી પહોંચી હતી એમાંના 11 પ્રવાસીઓને કોવિડ-19નો ચેપ લાગ્યાનું કન્ફર્મ થયું હતું.
આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગે હોંગકોંગ સરકારે ઘડેલા નિયમને 17 ઓગસ્ટે લાગુ કર્યો હતો જે અનુસાર એર ઈન્ડિયાની પેસેન્જર ફ્લાઈટ્સને 18 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી, બે અઠવાડિયા માટે હોંગકોંગમાં ઉતરવા દેવામાં નહીં આવે.
20મી ઓગસ્ટ સુધીમાં એર ઈન્ડિયાની એ ફ્લાઈટના કુલ 14 પ્રવાસીઓ કોરોનાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું હતું, એમ હોંગકોંગના અધિકારીએ વધુમાં કહ્યું.
આ 14 પ્રવાસીઓ પાસે એમણે સફર શરૂ કરી એના 72 કલાક પહેલા કરાવેલી કોરોના ટેસ્ટનું નેગેટિવ રિઝલ્ટ દર્શાવતું સર્ટિફિકેટ હતું કે નહીં એ સ્પષ્ટતા આ નિવેદનમાં કરવામાં આવી નથી.
ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, કઝાખસ્તાન, નેપાળ, પાકિસ્તાન, ફિલિપીન્સ, સાઉથ આફ્રિકા અને યૂએસથી આવતા પ્રવાસીઓ માટે પણ પ્રી-ફ્લાઈટ કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટ દર્શાવતું સર્ટિફિકેટ હોવું હોંગકોંગમાં ફરજિયાત છે.
ભારતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 29,05,823 નોંધાઈ છે. આ બીમારીથી થયેલા મરણનો આંકડો અત્યાર સુધીમાં 54,849 છે. શુક્રવારે સવારે 8 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં 983 જણના કોરોનાને લીધે મરણ થયા હતા એવું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
ભારતમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે ગઈ 23 માર્ચથી શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય પેસેન્જર વિમાન સેવા સસ્પેન્ડ કરવામાં આવી છે. તે છતાં એવિએશન રેગ્યૂલેટર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની મંજૂરીથી સ્પેશિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઓપરેટ જરૂર કરવામાં આવે છે.