સ્વચ્છ સર્વેક્ષણ-2020ની જાહેરાતઃ ઈન્દોર સતત ચોથા વર્ષે પહેલા નંબરે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશના સ્વચ્છ શહેરો માટેના વાર્ષિક સ્વચ્છ સર્વેક્ષણની આજે જાહેરાત કરી છે. સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં મધ્ય પ્રદેશનું ઈન્દોર પહેલા સ્થાને છે. એણે સતત ચોથા વર્ષે આ બિરુદ જાળવી રાખ્યું છે. ગુજરાતનું સુરત આ યાદીમાં બીજા નંબરે છે જ્યારે નવી મુંબઈ શહેરે સર્વેક્ષણમાં ત્રીજો નંબર હાંસલ કર્યો છે. આ વર્ષની યાદીમાં ટોચના 10 સ્વચ્છ શહેરોમાં ચાર શહેર ગુજરાતના છે. સુરત ઉપરાંત અમદાવાદ, રાજકોટ અને વડોદરા.

શહેરો માટેના સ્વચ્છ સર્વેક્ષણ માટે સરકારે એક લાખ કરતાં વધારે વસ્તીની કેટેગરી નક્કી કરી છે.

આ વર્ષના સર્વેક્ષણની જાહેરાત કેન્દ્રના હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રાલયે કરી છે.

2016ની સાલમાં સર્વેક્ષણની પહેલી આવૃત્તિમાં કર્ણાટકનું મૈસુરુ શહેર પહેલા નંબરે આવ્યું હતું, પરંતુ ત્યારબાદ સતત ત્રણ વર્ષ સુધી ઈન્દોર રહ્યું. આ વખતે પણ એણે પહેલું સ્થાન પોતાની પાસે જાળવી રાખ્યું છે.

એક લાખથી ઓછી વસ્તીવાળા શહેરોના સ્વચ્છ સર્વેક્ષણમાં મહારાષ્ટ્રના 3 શહેર છવાઈ ગયા છે – કરાડ, સાસવાડ અને લોનાવલા.

100 કરતાં વધારે શહેરી સ્વરાજ સંસ્થાઓ ધરાવતા રાજ્યોમાં સૌથી શ્રેષ્ઠ પરફોર્મન્સની કેટેગરીમાં પહેલું સ્થાન છત્તીસગઢે મેળવ્યું છે. 100થી ઓછી શહેરી સ્વરાજ સંસ્થાઓ ધરાવતા રાજ્યોની યાદીમાં પહેલું સ્થાન ઝારખંડે મેળવ્યું છે.

ભારતના સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટની કેટેગરીમાં પહેલો નંબર પંજાબના જલંધરે જીત્યો છે જ્યારે શ્રેષ્ઠ ગંગા નગરનો એવોર્ડ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરે જીત્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંસદીય ક્ષેત્ર છે.

2014માં શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરોમાં સ્વચ્છતાના દેખાવ પર નિરીક્ષણ રાખવાના હેતુથી સ્વચ્છ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

આ વખતે આ સર્વે 4,242 શહેરોમાં, 62 કેન્ટોનમેન્ટ બોર્ડ અને 92 ગંગા નદી ધરાવતા શહેરો-નગરોમાં હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે 28 દિવસોમાં પૂરો કરવામાં આવ્યો હતો.

સુરત દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર

સ્વચ્છતા સર્વેક્ષણ-2020ની યાદીમાં ટોપ-10 શહેરોમાં ગુજરાતના 4 શહેરોએ સ્થાન જમાવ્યું છે, જે ગુજરાતવાસીઓ માટે ગૌરવની વાત કહેવાય.

આ ચાર શહેર છે – સુરત (બીજા નંબરે), અમદાવાદ (પાંચમા), રાજકોટ (છઠ્ઠા) અને વડોદરા (દસમા નંબરે).

ડાયમંડ સિટી સુરતની સિદ્ધિ બહુ મોટી એટલા માટે છે કે એણે અગાઉના 14મા સ્થાનેથી સીધી બીજા નંબરે છલાંગ મારી છે.