યુક્રેનથી ભારતીયોને લાવવા માટે એર ઇન્ડિયાનું વિમાન રવાના

નવી દિલ્હીઃ રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધતા ટેન્શનની વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ્સ સવારે રવાના થઈ હતી. એર ઇન્ડિયાનું 200થી વધુની ક્ષમતાવાળું ડ્રીમ લાઇનર B-787 એરક્રાફ્ટને સ્પેશિયલ ઓપરેશન માટે તહેનાત કરવામાં આવ્યું છે. એ એરક્રાફ્ટ યુક્રેનથી દિલ્હી આજે રાત્રે આવી પહોંચશે. આ સિવાય એર ઇન્ડિયાની બે અન્ય ફ્લાઇટ્સ 24 અને 26 ફેબ્રુઆરીએ નિર્ધારિત કરવામાં આવી છે.

એર ઇન્ડિયાની આ ફ્લાઇટ્સ બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ્ફ કરશે અને એની ટિકિટનું બુકિંગ એર ઇન્ડિયા બુકિંગ ઓફિસથી, વેબસાઇટથી અને કોલ સેન્ટર અને સત્તાવાર ટ્રાવેલ એજન્ટોથી કરી શકશે.

યુક્રેનના વધતા સંકટને લઈને નાટો દેશો અને રશિયાની વચ્ચે વધતા ટેન્શન મુદ્દે કિવમાં ભારતીય એમ્બેસી નવી એડવાઇઝરીમાં બધા ભારતીય વિદ્યાર્થીઓને હંગામી ધોરણે દેશ છોડવા માટે નિર્દેશ આપ્યા છે. ભારત સરકારે યુક્રેનના વિવિધ ભાગોમાં રહેતા 20,000થી વધુ વિદ્યાર્થીઓને યુક્રેન અસ્થાયી સમય માટે છોડવાની સલાહ આપી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે એર બબલ વ્યવસ્થા હેઠળ યુક્રેનથી આવ-જા કરતી ફ્લાઇટ્સની સંખ્યા પર પ્રતિબંધ હટાવ્યાના એક દિવસ પર એર ઇન્ડિયાએ ઘોષણા કરી હતી કે એ આ મહિને ભારત અને યુક્રેનની વચ્ચે ત્રણ વંદે ભારત મિશન ફ્લાઇટ્સને સંચાલિત કરશે.