દિલ્હીમાં ફરી એક વાર વાયુ ઇમર્જન્સીઃ AQI 800ને પાર!

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં પ્રદૂષણ અત્યંત ‘ગંભીર’ સ્તરે પહોંચી ચૂક્યું છે. દિલ્હીનાં કેટલાંક સ્થળોએ AQI 800ને પાર થઈ ચૂક્યો છે. ઉપ રાજ્યપાલ વીકે સકસેનાએ CM અને પર્યાવરણ મંત્રીની સાથે બેઠક બોલાવી છે. તેમણે કહ્યું હતું કે હું લોકોને અપીલ કરું છું કે તેઓ શક્ય એટલું ઘરની અંદર રહે. ખાસ કરીને બાળકો અને વડીલોને બહારના પ્રદૂષિત વાતાવરણમાં ના રાખે.

દિલ્હી NCRમાં વાયુ ગુણવત્તા સિવિયર એટલે કે ગંભીર શ્રેણીમાં આવી ચૂકી છે. કેન્દ્ર સરકારના વાયુ ગુણવત્તા નિગરાની તંત્ર ‘સફર’ મુજબ સૌથી ખરાબ શ્રેણી છે. દિલ્હીનો સરેરાશ AQI 504 થઈ ચૂક્યો છે. જ્યારે સફરમાં મહત્તમ મર્યાદા 500ની છે. કેટલાક વિસ્તારોમાં સ્થિતિ એનાથી પણ વધુ ખરાબ છે.

આવી હાલતમાં ડોક્ટરોએ અને સરકાર તરફથી ઘરની બહાર જવાથી બચવાની એડવાઇઝરી આપવામાં આવે છે.દિલ્હીમાં સ્મોગને કારણે લોકોમાં આંખોમાં જલનની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે દિલ્હીના પ્રદૂષણની પાછળ ત્રણ કારણ છે.

ગુરુવારે દિલ્હીની વાયુ ગુણવત્તા –AQI 400ને પાર થઈ હતી, જ્યારે શુક્રવારે એ 500નો આંકડો પણ પાર થઈ ગયો હતો. NCRમાં સ્મોગની મોટી ચાદર છવાઈ ગઈ હતી. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પ્રાઇમરી સ્કૂલોને બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી સહિત NCR પ્રદૂષણને કારણે ગેસ ચેમ્બરમાં તબદિલ થઈ ગયું છે.