કોવેક્સિન-રસીનું ઉત્પાદન વધારવા કેટલીક કંપનીઓ સાથે કરાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત રસીની અછતને દૂર કરવા માટે ભારત બાયોટેકે કમર કસી છે. કંપનીના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર સુચિત્રા એલાના જણાવ્યાનુસાર ભારત બાયોટેકે ઘોષણા કરી હતી કે કંપની ગુજરાતમાં રેબીઝ રસીની સુવિધામાં કોવેક્સિનના વધારાના ડોઝનું ઉત્પાદન કરશે, જેમાં આગામી ચાર મહિનામાં તેજી આવશે. એનાથી કોવિડ રસીની ક્ષમતા એક મહિનામાં 1.7 કરોડના ડોઝ વધી જશે. હૈદરાબાદની કંપની ચિરોન બેહરિંગ રસીની સુવિધાનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી વર્ષ 2019માં રેબીઝને રસી બનાવવા માટે ગ્લેક્સોસ્મિથક્લાઇનથી હાંસલ કર્યો હતો.    ભારત બાયોટેકે ICMRની સાથે સંયુક્ત રૂપે કોવેક્સિન વિકસિત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે કંપનીની યોજના જીએમપી સુવિધાઓમાં પ્રતિ વર્ષે કોવેક્સિનની 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે, જે પહેલેથી જ નિષ્ક્રિય વેરો સેલ પ્લેટફોર્મ ટેક્નોલોજી પર આધારિત રસીનું ઉત્પાદન કરી રહી છે. આ ઉત્પાદન 2021 કેલેન્ડર વર્ષ (ઓક્ટોબર)ના ચોથા ત્રિમાસિકથી ઉપલબ્ધ થવાની આશા છે. આ પહેલાં કંપનીએ હૈદરાબાદ અને બેંગલુરુમાં પોતાની સુવિધાઓમાં કોવેક્સિનના એક વર્ષમાં 70 કરોડ ડોઝ બનાવવાની ક્ષમતાની વ્યવસ્થા કરી હતી.

એનો અર્થ એ થયો કે કુલ માસિક ક્ષમતા આશરે 5.8 કરોડ ડોઝ હશે. જોકે કંપની એની મહત્તમ ક્ષમતા સુધી પહોંચવા માટે ઉત્પાદન વધારવાની પ્રક્રિયામાં છે. કોવિડ-19ની રસી બનાવવા માટે ભારત બાયોટેક કમસે કમ ચાર ઉત્પાદકો સાથે કરાર કર્યા છે, જેમાં મહારાષ્ટ્રની હૈફકાઇન બાયોફાર્માસ્યુટિકલ્સ કોર્પોરેશન, કેન્દ્રની ભારત ઇમ્યુનોલોજિકલ એન્ડ બાયોલોજિકલ કોર્પોરેશન, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિ. અને ઓમનીબીઆરએક્સ બાયોટેક્નોલોજીસ હેસ્ટર બાયોસાયન્સિસ અને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર કોવેક્સિનનું ઉત્પાદન કરશે.