ગણતંત્ર દિવસ ટેબ્લોઃ બંગાળ પછી મહારાષ્ટ્રની પણ ગેરહાજરી, રાજકીય રંગ?

નવી દિલ્હી: દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે દિલ્હીના રાજપથ પર યોજાતી પરેડમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઓળખની ઝાંખી જોવા મળતી હોય છે, પણ આ વર્ષે પશ્ચિમ બંગાળને બાકાત રખાયા બાદ હવે આ યાદીમાં વધુ એક રાજ્યનું નામ ઉમેરાયું છે. વર્ષ 2020માં ગણતંત્ર દિવસની પરેડમાં હવે બંગાળ બાદ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખની પણ ઝલક જોવા નહીં મળે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જિતેન્દ્ર અવધ એ દાવો કર્યો છે કે આ વખતનાં ગણતંત્ર દિવસની પરેડમાં મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઝાંખીનો સમાવેશ કરવાનો ગૃહ મંત્રાલયે ઈનકાર કરી દીધો છે.

મહત્વનું છે કે ગણતંત્ર દિવસનાં અવસર પર રાજપથ પર અનેક રાજ્યોની સાંસ્કૃતિ ઓળખ રજૂ કરતી ઝલક જોવા મળે છે, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્રિય મંત્રાલયોની પણ ઉપસ્થિતિ હોય છે. આ વર્ષે કુલ 22 રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરતી પરેડ  જોવા મળશે. આમાં 16 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશની અનેક 6 કેન્દ્રિય મંત્રાલયો તરફથી હશે. કેન્દ્ર સરકાર પાસે કુલ 56 પ્રપોઝલ આવી હતા તેમાં પશ્ચિમ બંગાળની સરકારની દરખાસ્ત પણ સામેલ હતી, પણ કેન્દ્ર સરકારે એ ફગાવી દીધી છે.

આ મામલે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખ હંમેશાથી દેશ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. જો આ જ કૉંગ્રેસનાં કાર્યકાળમાં થયું હોત તો મહારાષ્ટ્ર બીજેપીએ પ્રહાર કર્યા હોત.

રાઉતે વધુમાં કહ્યું કે, આ વખતેની પરેડમાં મહારાષ્ટ્રની ઝાંખીને સામેલ કરવામાં નથી. આ ઝાંખી જેજે સ્કુલ ઓફ આર્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આના માટે રાજ્યને અનેક વખત પુરસ્કાર પણ મળ્યા છે. એવુ શું થયું કે, આ વખતે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની સાંસ્કૃતિક ઓળખને સ્થાન ન મળ્યું. બંને રાજ્યોમાં ભાજપની સરકાર નથી એ જ કારણ છે. આ મહારાષ્ટ્ર રાજ્યનું મોટું અપમાન છે. તેમણે આગળ કહ્યું કે, સમગ્ર મહારાષ્ટ્ર ગણતંત્ર દિવસ પરેડની રાહ જોતું હોય છે. હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને આ મામલે તપાસ કરવાની અપીલ કરું છું. હવે અમારે એ જોવું છે કે, અન્ય રાજ્યો કે જ્યાં ભાજપની સરકાર નથી એ રાજ્યોનો સમાવેશ કરવામાં આવે છે નહીં.