કાંદા પછી હવે ખાદ્યતેલના ભાવ ખિસ્સા પર કાતર ચલાવશે

મુંબઈ – કાંદાના આસમાને પહોંચી ગયેલા ભાવ છેલ્લા અમુક મહિનાઓથી ભારતવાસીઓને રડાવી રહ્યા છે ત્યાં ખાદ્યતેલના ભાવ પણ ઉછળવાનું શરૂ થઈ ગયું છે.

મલેશિયા અને ઈન્ડોનેશિયામાં બાયો-ફ્યુઅલ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે એને કારણે ત્યાં પામ તેલનો વપરાશ વધી ગયો છે અને એને કારણે એના ભાવ વધી ગયા છે.

ભારત આ તેલનું મોટું આયાતકાર છે તેથી એની અસર ભારત ઉપર પણ થશે અને આખરે ગ્રાહકોને માથે બોજો આવશે.

વધુમાં, ભારતમાં આ વખતે ભારે વરસાદ પડ્યો હોવાથી તેલનું ઉત્પાદન ઓછું થયું. આમ, દેશમાં તેલના વપરાશકારોની તકલીફ વધે એવી સંભાવના છે.

છેલ્લા બે મહિનામાં ક્રૂડ પામ ઓઈલના ભાવમાં 26 ટકાનો વધારો થયો છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભારે વરસાદે ખરીફ મોસમના તેલિબિયાં, ખાસ કરીને સોયાબીનના પાકને નુકસાન પહોંચાડ્યું છે. હાલની રવિ મોસમમાં વાવણીનું પ્રમાણ ધીમું રહ્યું છે. તેથી સ્થાનિક બજારમાં તેલ અને તેલિબિયાંનાં ભાવ વધ્યા છે.

ભારત વિશ્વમાં ખાદ્યતેલની સૌથી વધારે આયાત કરનારો દેશ છે. 2019-19ની વીતી ગયેલી મોસમમાં ભારતે 155 લાખ ટન વનસ્પતિ તેલની આયાત કરી હતી. જેમાં 149.13 લાખ ટન તો ખાદ્ય તેલ હતું.