હવે બંગાળમાં-વિવાદઃ હિજાબ-ભગવા સ્કાર્ફ મુદ્દે શાળામાં મારામારી

કોલકાતાઃ કર્ણાટક બાદ હવે પશ્ચિમ બંગાળ રાજ્યમાં હિજાબ પહેરવાના મુદ્દે મોટો વિવાદ થયો છે. હિજાબ અને ભગવા રંગનો સ્કાર્ફ પહેરવાના મુદ્દે વિદ્યાર્થીઓમાં ઘર્ષણ થતાં 12મા ધોરણના ઈતિહાસ વિષયની બોર્ડ પરીક્ષા રદ કરવી પડી છે.

આ વિવાદ હાવડાની 50 વર્ષ જૂની ધુલાગોરી આદર્શ વિદ્યાલય નામક શાળામાં થયો છે. ત્યાં વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે ખૂબ મારામારી થઈ હતી. કેસરી રંગના સ્કાર્ફ પહેરેલા પાંચ વિદ્યાર્થી શાળાના ગેટ પર ઊભા રહ્યા બાદ મારામારી શરૂ થઈ હતી. શાળાના અધિકારીઓએ વિદ્યાર્થીઓને શાંત પાડવાની કોશિશ કરી હતી, પરંતુ વિદ્યાર્થીઓએ ભગવા સ્કાર્ફ સાથે વર્ગમાં બેસવા દેવાની માગણી કરી હતી. એમણે કહ્યું હતું કે જો વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને વર્ગમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે તો અમને કેસરી સ્કાર્ફ પહેરીને શા માટે પ્રવેશ અપાતો નથી. બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થયા બાદ પરિસ્થિતિ તંગ બની ગઈ હતી એને કારણે પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને બોલાવવા પડ્યા હતા.

વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ વચ્ચે થયેલા જોરદાર ઝઘડાને કારણે બોર્ડની પૂર્વ-પરીક્ષા રદ કરવી પડી હતી. શાળાના સંચાલકોએ મેનેજમેન્ટ સમિતિનાં સભ્યો, માતા-પિતા/વાલીઓ તથા સ્થાનિક પ્રશાસનનાં અધિકારીઓની એક બેઠક બોલાવી છે.