ટ્વિટર પર શાબ્દિક ટપાટપી થઈઃ મેહબૂબા મુફ્તીએ ગુસ્સામાં આવી ગૌતમ ગંભીરને બ્લોક કર્યાં

નવી દિલ્હી/શ્રીનગર – જમ્મુ અને કશ્મીર રાજ્યમાં વિવાદાસ્પદ બની ગયેલી 370મી કલમના મામલે શાબ્દિક ટપાટપી થયા બાદ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખ મેહબૂબા મુફ્તીએ ક્રિકેટરમાંથી ભાજપના નેતા બનેલા ગૌતમ ગંભીરને પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર બ્લોક કરી દીધાં છે.

કશ્મીર ખીણપ્રદેશના નેતા ડો. ફારુક અબ્દુલ્લા અને મેહબૂબાએ ભારતીય બંધારણની વિરુદ્ધમાં અમુક નિવેદનો કર્યાં હોવાથી એમને 11 એપ્રિલથી શરૂ થતી લોકસભા ચૂંટણીમાં ભાગ લેતા રોકવા માટેનો આદેશ મેળવવા દિલ્હીની હાઈકોર્ટમાં એક જનહિતની અરજી કરવામાં આવી છે. એ સમાચારને ધ્યાનમાં લઈને મેહબૂબાએ એમનાં ટ્વિટર પર ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી હતી.

એમણે ટ્વીટમાં લખ્યું છે કે, ‘કોર્ટમાં જઈને સમય બરબાદ શા માટે કરવો જોઈએ. થોભી જાવ, ભાજપ 370મી કલમ રદ કરવાની જ છે. એને લીધે અમે ચૂંટણી લડવામાંથી આપોઆપ બાકાત થઈ જઈશું, કારણ કે ભારતીય બંધારણ જમ્મુ-કશ્મીર માટે લાગુ નહીં રહે. ના સમજોગે તો મિટ જાઓગે ઐ હિન્દુસ્તાનવાલોં. તુમ્હારી દાસ્તાન તક ભી ના હોગી દસ્તાનોં મેં.’ (ઐ ભારતવાસીઓ જો તમે નહીં સમજો તો તમે ખતમ થઈ જશો. ઈતિહાસમાં તમારા વિશે કહેવા જેવી કોઈ ગાથા નહીં રહે).

આ વાંચ્યા બાદ ગૌતમ ગંભીર, જેઓ હજી ગયા જ મહિને ભાજપમાં સામેલ થયા છે, એમણે ટ્વીટ કરીને વળતો જવાબ આપ્યો હતો અને મેહબૂબાને કહ્યું કે, ‘આ ભારત છે, કંઈ તમારી જેવો કાળો ડાઘ નથી કે મટી જશે.’

એની સામે મેહબૂબાએ વળતી તીવ્ર ટકોર કરી હતી અને લખ્યું કે, ‘મને આશા છે કે ભાજપમાં તમારી રાજકીય ઈનિંગ્ઝ તમારી ક્રિકેટ કારકિર્દી જેટલી ખરાબ નહીં રહે.’

ત્યારબાદ થોડી જ વારમાં, ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને હાલ 37 વર્ષના ગંભીરે વળતું ટ્વીટ કરીને લખ્યું કે, ‘ઓહ, તો તમે મારા ટ્વિટર હેન્ડલને બ્લોક કરી દીધું છે. મારા ટ્વીટનો જવાબ આપવામાં તમને 10 કલાક લાગ્યા. તમે તો બહુ ધીમા.’

મેહબૂબાએ આખરી ટ્વીટમાં ગંભીર માટે લખ્યું હતું કે, ‘મને તમારી માનસિક હાલતની ચિંતા થાય છે. લોકોનાં ટ્રોલિંગથી હું પરિચીત છું, પણ આ રીતે હાથ ધોઈને પડવું એ જરાય તંદુરસ્ત નથી. તમને કશ્મીર વિશે કંઈ ખબર નથી એટલે હું તમને બ્લોક કરી દઉં છું.’

ગંભીર તેના જવાબમાં લખ્યું કે, ‘બહુ સારું મેહબૂબા મુફ્તી મેડમ. તમારાં જેવાં સંવેદનહીન વ્યક્તિએ મને બ્લોક કર્યો એનો મને આનંદ છે. મુદ્દાની વાત એ છે કે આ ટ્વિટ લખી રહ્યો છું ત્યારે 1,365,386,456 ભારતીયો છે. તમે એ બધાને કેવી રીતે બ્લોક કરશો?’

ટ્વિટર પર ગંભીરના 90 લાખથી વધારે ફોલોઅર્સ છે. એમણે તાજેતરમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા સાથે પણ શાબ્દિક દલીલબાજી કરી હતી. એ વખતે મુદ્દો હતો જમ્મુ અને કશ્મીરને સ્વાયત્તતા આપવાનો.

ગંભીરે 2018માં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. એમણે લિસ્ટ-A ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા હતા.