નવી દિલ્હી – 17મી લોકસભાની ચૂંટણીના પરિણામો હવે આવતીકાલે, 23 મેએ જાહેર થવાનાં છે એ પૂર્વે ગઈ કાલે સાંજે, ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) ગઠબંધનના ઘટક પક્ષોએ અહીં મળેલી બેઠકમાં નિર્ણય લીધો છે કે લોકસભા ચૂંટણી-2019માં ભાજપ જીતીને ફરી સત્તા પર આવે તો વડા પ્રધાન તરીકે ફરી નરેન્દ્ર મોદીને જ બનાવવા.
ભાજપ તરફથી એનડીએના તમામ સાથી પક્ષોનાં નેતાઓની આજે અહીં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ સૌ ડિનર માટે ભેગા થયા હતા. ડિનરનું આયોજન ભાજપપ્રમુખ અમિત શાહે અશોકા હોટેલમાં કર્યું હતું.
આમ, અમિત શાહ અને નરેન્દ્ર મોદી એનડીએ-2 માટે સજ્જ થઈ ગયા છે.
બેઠકમાં, વડા પ્રધાન મોદીએ એમના સાથી પ્રધાનોને કહ્યું કે એમના માટે લોકસભાની ચૂંટણી એક યાત્રા સમાન છે.
બેઠક બાદ, વડા પ્રધાન વતી કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે પત્રકારોને કહ્યું કે વડા પ્રધાને ઘણી ચૂંટણીઓ જોઈ છે, પરંતુ આ વખતની ચૂંટણીનનો પ્રચાર એમને પ્રચાર જેવો લાગ્યો નહોતો. એમને તે એક યાત્રા સમાન જણાયો છે.
આભાર મિલન બેઠકઃ પીએમ મોદી મળ્યા ભાજપ-એનડીએનાં પ્રધાનોને
આજે સાંજે અહીં ભારતીય જનતા પાર્ટીનાં મુખ્યાલયમાં યોજવામાં આવેલી સ્વાગત અને આભાર મિલન બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમના પ્રધાનમંડળમાં ભાજપ તથા એનડીએ સમૂહનાં સાથી પક્ષોનાં પ્રધાનોને મળ્યા હતા.
બેઠકમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી, માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકર, વડા પ્રધાન કાર્યાલયની બાબતોના પ્રધાન જિતેન્દર સિંહ, રેલવે પ્રધાન પિયૂષ ગોયલ, ટેક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાની, શ્રમ પ્રધાન સંતોષ ગંગ્વાર, ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમ્રત કૌર બાદલ, અન્ન ખાતાના પ્રધાન રામવિલાસ પાસવાન, લઘુમતીઓની બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વી, અન્ય પ્રધાનો તથા ભાજપપ્રમુખ અમિત શાહ હાજર રહ્યાં હતાં.
એનડીએના ઘટક પક્ષોની બેઠક બે કલાક લાંબી ચાલી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ છેલ્લા પાંચ વર્ષોમાં સરકારે હાથ ધરેલા વિકાસ કાર્યો માટે પ્રધાનોએ મોદીને અભિનંદન આપ્યા હતા.
સાથી પ્રધાનોએ ભાજપ-એનડીએનાં છેલ્લા પાંચ વર્ષનાં શાસન દરમિયાન દેશને આપેલી એમની સેવા બદલ એમનો આભાર વ્યક્ત કરવા માટે ભાજપ મુખ્યાલયમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
એક્ઝિટ પોલ્સમાં ભાજપ-એનડીએનાં ઝળહળતા વિજયની આગાહી કરવામાં આવી છે તેથી એનાથી ઉત્સાહિત થઈને અમિત શાહે એનડીએના સહયોગી પક્ષોનાં આગેવાનો માટે ડિનરનું આયોજન કર્યું હતું.