પબજી સહિત 275 ચીની એપ્સ પર બેન લાગી શકે

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલાં જ ભારતે ચીનની ૫૯ એપ્લીકેશન ઉપર પ્રતિબધં મુકી દીધો હતો ત્યારે હવે વધુ ૨૭૫ એપ્લીકેશનની યાદી સરકારે બનાવી લીધી છે. આ એપમાં પબજી પણ સમાવિષ્ટ છે. એક અનુમાન મુજબ ભારતમાં ચીની ઈન્ટરનેટ કંપનીઓના અંદાજે ૩૦ કરોડ યુનિક યુઝર્સ છે. યાદી બનાવીને સરકાર ચેક કરી રહી છે કે આ એપ કોઈ પણ પ્રકારે રાષ્ટ્ર્રીય સુરક્ષા અથવા લોકોની પ્રાઈવસીને ખતરામાં મુકી રહી છે કે કેમ ? જો કોઈ અનિયમિતતા સામે આવી તો તેના ઉપર તુરતં પ્રતિબધં મુકી દેવાશે.

સરકારે જે નવી લિસ્ટ બનાવ્યું છે તેમાં ટેન્સેન્ટ કંપનીની લોકપ્રિય ગેમ પબજી પણ સામેલ છે. આ ઉપરાંત શાઓમીની જિલી, ઈ–કોમર્સ દિગ્ગજ અલીબાબાની એલીએકસપ્રેસ અને ટીકટોકનો માલિકી હક્ક ધરાવતી કંપની બાઈટડાન્સની રેસો અને યુ–લાઈક એપ પણ સામેલ છે. ડેવલપમેન્ટ સાથે જોડાયેલા એક શખ્સે જણાવ્યું કે સરકાર આ તમામ ૨૭૫ એપ્લીકેશનને અથવા તેમાંથી અમુકને પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. જો કોઈ અનિયમિતતા ધ્યાન પર નહીં આવે તો તેના ઉપર પ્રતિબધં મુકાશે નહીં.

ગૃહ મંત્રાલયે આ અંગે હજુ સુધી કોઈ ટીપ્પણી કરી નથી. જો કે મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું કે ચીની એપ્સની સમીક્ષા સતત ચાલી રહી છે અને એવું પણ શોધવાની કોશિશ કરાઈ રહી છે કે તેને ફન્ડીંગ આવી કયાંથી રહ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર અમુક એપ્સથી રાષ્ટ્ર્રીય સુરક્ષાને ખતરો છે તો અમુક એપ ડેટા શેયરિંગ અને પ્રાઈવસીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. સરકાર હવે એપ માટે નિયમ–કાયદા બનાવી રહી છે જેમાં પાસ નહીં થનારી એપને પ્રતિબંધિત થવાનો ખતરો રહેશે. આ માટે સરકારે મોટો પ્લાન પણ બનાવી રાખ્યો છે