UPની 403-સીટો પર ‘આપ’નું ચૂંટણી લડવાનું એલાન

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (આપ)એ ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણી પોતાના બળે લડવાનું એલાન કરતાં કહ્યું હતું કે આપ પાર્ટી રાજ્યની બધી 403 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે, એમ પાટીના રાજ્યસભાના સંસદસભ્ય સંજય સિંહે જણાવ્યું હતું. સિંહ પાર્ટીના ઉત્તર પ્રદેશના પ્રભારી છે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારોનાં નામ આગામી 15 દિવસોમાં જાહેર કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે હાલ 120 ઉમેદવારોની યાદી તૈયાર છે. આપ નેતાએ કહ્યું હતું કે પાર્ટી રાજ્યની 403 વિધાનસભા ક્ષેત્રોમાં તિરંગા યાત્રા પણ કાઢશે. પાર્ટી ભાજપના નકલી રાષ્ટ્રવાદનો પણ પર્દાફાશ કરશે અને આપના અસલી રાષ્ટ્રવાદનું પ્રદર્શન કરશે, એમ તેમણે કહ્યું હતું.

આપ પાર્ટીનું આ એલાન સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધનની અટકળો વચ્ચે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. નફરત ફેલાવવા, કોરોના વાઇરસના દર્દીઓને રઝળતા મૂકવા અને તેમના હાલ પર છોડવા, સડકો પર ખાડા કરવા, હિન્દુત્વને નામે હિંસક ઘટનાઓ કરવા અને વિકાસની આડમાં કૌભાંડ કરવા અને દેશ જોડવાને બદલે તોડવો એ જ ભાજપનો રાષ્ટ્રવાદ છે. આ ઉપરાંત બધા નાગરિકોને ભાદભાવ વગર અને લોકોને વીજળી અને પાણી જેવા પાયાની સુવિધા મફત ઉપલબ્ધ કરાવવા અને સામાજિક સૌહાર્દ બનાવી રાખવા વિકાસની ઝડપ તેજ કરવા આપનો રાષ્ટ્રવાદ છે.