90 દેશોની જેલોમાં 8,330 ભારતીયો પૂરાયેલા છે

નવી દિલ્હીઃ કેન્દ્રના નાયબ વિદેશ પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભામાં લેખિતમાં આપેલી જાણકારી મુજબ, 8,330 જેટલા ભારતીય નાગરિકો 90 દેશોમાં જેલમાં પૂરાયેલા છે. આમાંના 1,611 જણ સંયુક્ત આરબ અમિરાતની જેલમાં છે.

સાઉદી અરેબિયાની જેલોમાં 1,461 ભારતીયો, નેપાળની જેલોમાં 1,222, કતરમાં 696, કુવૈતમાં 446, મલેશિયામાં 341, પાકિસ્તાનમાં 308, અમેરિકામાં 294, બેહરીનમાં 277, બ્રિટનમાં 249, ચીનમાં 178, ઈટાલીમાં 157, ઓમાનમાં 139 ભારતીયો જેલમાં પૂરાયેલા છે. આ ભારતીયોને છોડી મૂકવા અને એમને ભારત પાછા મોકલી દેવાના મુદ્દે વિદેશસ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ સંબંધિત દેશોના સત્તાવાળાઓ સાથે નિયમિત રીતે રજૂઆત કરી રહ્યા છે. ઘણા દેશોના ગોપનીયતાને લગતા કડક કાયદાઓને લીધે સ્થાનિક સત્તાવાળાઓ કેદીઓ વિશે માહિતી શેર કરતા નથી. કોઈ કેદી એવી માહિતી આપવા સહમત થાય તો જ આપવામાં આવે છે.