કેન્દ્રિય કર્મચારીઓ/પેન્શનર્સનાં DA/DRના નવા વધારેલા દરનો અમલ જુલાઈથી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના ડીયરનેસ અલાવન્સ (ડીએ – મોંઘવારી ભથ્થા) અને પેન્શનધારકો માટેના ડીયરનેસ રીલિફ (ડીઆર – મોંઘવારી રાહત)ના દરમાં તાજેતરમાં જ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. DA/DRના અપડેટ કરાયેલા દર આ વર્ષની 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. દરમાં ફેરફારો કરાયા બાદ હવે કર્મચારીઓ અને પેન્શનધારક રાહ જોઈ રહ્યાં છે કે એમને ચૂકવણી ક્યારે કરવામાં આવે છે. તો સમાચાર એ છે કે એમને આ ચૂકવણી આ વર્ષના જુલાઈમાં કરવામાં આવશે એવી ધારણા છે.

કેન્દ્રિય શ્રમ મંત્રાલયનો એક હિસ્સો ગણાતા લેબર બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, કર્મચારીઓ અને પેન્શનધારકો માટે હાલ ડીએ/ડીઆર રેશિયો 42 ટકા છે. તે આગામી ફેરફારો વખતે વધારીને કદાચ 45 ટકા કરાશે. કર્મચારીઓને મૂળ પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવે છે. આ ભથ્થાની ગણતરી કેન્દ્રીય પગાર પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ અનુસાર કરવામાં આવે છે.