નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 66 લાખને પાર પહોંચ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 74,442 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 903 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 66,23,816 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,02,685 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 55,86,704 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 76,737 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,44,996 પહોંચી છે. રિકવરી રેટ વધીને 83.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.56 ટકા થયો છે.
સાજા થઈ ચૂકેલા લોકો 90 દિવસ સુધી ફેલાવી શકે કોરોના
અમેરિકામાં કોરોના વાઇરસ પર શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોની ટીમને જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસની ગંભીર અવસ્થા બાદ સાજા થયેલા દર્દીઓમાં SARS CoV-2 90 દિવસ સુધી રહે છે.
વૈજ્ઞાનિકોને શોધમાં જાણવા મળ્યું કે કોરોનાથી સાજા થઈ ચૂકેલા લોકો 90 દિવસ સુધી કોઈ પણને સંક્રમિત કરી શકે છે. એવામાં કોરોનાથી સાજા થઈને ઘરે આવી ચૂકેલા દર્દીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
અમેરિકાના એટલાન્ટામાં સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા એકત્ર કરવામાં આવેલી જાણકારી મુજબ, કોરોનાની ગંભીર અવસ્થાથી પસાર થનારા દર્દી 90 દિવસ સુધી સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ, જે દર્દીઓમાં કોરોનાની અસર ઘણી હળવી હોય છે તેમની અંદર પણ 10 દિવસ સુધી કોરોના ઉપસ્થિત રહે છે. એવામાં દર્દીના સંપર્કમાં આવનારા લોકો જેમની ઇમ્યુનિટી નબળી છે તેમને સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.