લખનઉઃ દિવાળીનો તહેવાર ભગવાન શ્રીરામના અયોધ્યા પાછા ફરવાની ખુશીમાં ઊજવવામાં આવે છે. જેથી ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં તો દિવાળી ભવ્ય રીતે ઊજવવામાં આવશે. વળી, આ વખતે તો રામ લલાના મંદિરનું કામ શરૂ થવાથી દિવાળી વધુ ખાસ થઈ ગઈ છે. હવે સરકાર પણ દિવાળી ઊજવવાની તૈયારીમાં લાગી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકાર કોવિડ-19ના નિયમોનું પાલન કરતાં આ વખતે અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ ઊજવવાની તૈયારી કરી રહી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે દીપોત્સવ-2020 પર અયોધ્યામાં શ્રીરામની પૈડી પર 5.51 લાખ દીપ પ્રગટાવવામાં આવશે.
દીપોત્સવની તૈયારીઓની સમીક્ષા
મુખ્ય પ્રધાન અયોધ્યામાં દીપોત્સવની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે નિર્દેશ આપ્યો છે કે દીપેત્સવ-2020 દરમ્યાન પ્રતિદિન અલગ-અલગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે અને દરેક આયોજનમાં કોવિડ-19ના પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવે.
ભવ્ય દીપોત્સવની પરંપરા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. મુખ્ય પ્રધાન આદિત્યનાથ દીપોત્સવ પર અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં પહોંચીને રામલલાનાં દર્શન કરશે અને ત્યાં દીપ પ્રજ્વલિત કરશે. તેમના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવાની સાથે દિવાળીએ અયોધ્યામાં ભવ્ય દીપોત્સવની પરંપરા શરૂ થઈ છે અને પ્રતિ વર્ષ એની ભવ્યતા વધી રહી છે.
મુખ્ય પ્રધાને દીપોત્સવ-2020ના પર્વ પર સરયુ નદીની ભવ્ય એવમ્ દિવ્ય આરતીની વ્યવસ્થા કરવાની અને અયોધ્યાને ભવ્ય શણગાર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. શ્રીરામ જન્મભૂમિ, કનક ભવન, રામ કી પૈડી, હનુમાન ગઢી સહિત બધાં મંદિરોમાં લાઇટથી સાજ-શણગાર કરવામાં આવશે. આ પ્રકારે પૂલો, લાઇટના થાંભલા પર LED લાઇટ લગાડવામાં આવશે. આનાથી દીપોત્સવની શોભામાં વધારો થશે.
મઠ, મંદિરો અને ઘરોમાં દીપ પ્રગટાવાશે
ઉત્તર પ્રદેશના પર્યટન વિભાગ, અયોધ્યાનું જિલ્લા વહીવટી તંત્ર અને ડોક્ટર રામ મનોહર લોહિયા યુનિવર્સિટીના સંયુક્ત તત્ત્વાધાનમાં 12થી 16 નવેમ્બર સુધી દાપોત્સવનું આયોજન કરવામાં આવશે. મુખ્ય પ્રધાને કહ્યું છે કે દીપોત્સવ પર અયોધ્યાના બધા મઠ, મંદિરો અને ઘરોમાં દીપ પ્રગટાવવાની વ્યવસ્થા કરવામાં આવે, જેનાથી ભગવાન શ્રીરામની નગરી દીપોના પ્રકાશની ઝળહળી ઊઠે. તેમણે મઠ, મંદિરોમાં ભજન અને રામાયણના પાઠનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે.