નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 48,786 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1005 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,04,11,634 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,99,459 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,94,88,918 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 61,588 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,23,257એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.97 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.31 ટકા થયો છે.
છેલ્લા 24 કલાકમાં 19,21,450 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.34 ટકા છે.
12થી વધુ વયનાં બાળકો માટે રસી તૈયાર
અમદાવાદસ્થિત ઝાયડસ કેડિલાએ ZyCoV-D રસીને લોન્ચ માટે ઇમર્જન્સી ઉપયોગ ઓથોરિટીથી મંજૂરી માગી છે. કંપનીએ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)ને અરજી કરી છે, જેમાં 12 વર્ષ અને એનાથી વધુ વયનાં બાળકો માટે ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગવામાં આવી છે.
દેશમાં 33.57 કરોડ લોકોનું રસીકરણ
દેશમાં અત્યાર સુધીમાં 33,57,16,019 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 27,60,345 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.