ચંડીગઢઃ પંજાબના મોહાલી જિલ્લામાં એક મેળામાં રવિવારે એ મોટી દુર્ઘટના બની હતી. અહીં ફેઝ-આઠના દશેરા મેદાનમાં લાગેલા મેળામાં રવિવારે રાત્રે ડ્રોપ ટાવર નામની રાઇડ 50 ફૂટની ઊંચાઈથી અચાનક નીચે પડી હતી. આ રાઇડમાં આશરે 30 લોકો સવાર હતા. બધા ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોમાં પુરુષો, મહિલાઓ અને બાળકો સામેલ હતાં. 13 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પાંચને સિવિલ અને બાકીનાને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્રએ તપાસના આદેશ આપ્યા હતા. આ દુર્ઘટના બન્યા પછી રાઇડના સંચાલક સર્મચારીઓ સહિત ઘટનાસ્થેળથી ફરાર થયા હતા. આ દુર્ઘટનાની માહિતી મળતાં SDM સરબજિત કૌર અને નાયબ તહેસીલદાર અર્જુન ગ્રેવાલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. DC અમિત તલવારે કહ્યું હતું કે આ ઘટનાની તપાસ કરવામાં આવશે, જે પણ દોષી માલૂમ પડશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ફેઝ-આઠના દશેરા ગ્રાઉન્ડમાં લંડન બ્રિજ નામથી મેળો યોજવામાં આવે છે. રવિવારે રજાને લીધે મેળામાં ભારે ભીડ હતી. ડ્રોપ ટાવર રાઇડની પાસે પણ ભારે ભીડ હતી. આ રાઇડમાં આશરે 30 લોકો સવાર હતા. આ રાઇડ ટોચે પહોંચ્યા પછી અચાનક એમાં ખરાબી આવી ગઈ હતી. લોકો કઈ સમજે એ પહેલાં 50 ફૂટ ઊંચેથી રાઇડ નીચે આવી ગઈ. આ દુર્ઘટના એટલી જબરદસ્ત હતી કે કેટલાય લોકોનાસીટ બેલ્ટ તૂટી ગયા હતા. આ રાઇડ તૂટતાં મેળાના સ્થળે ભાગદોડ મચી ગઈ હતી.