સાયરસ મિસ્ત્રી મૃત્યુ-કેસમાં મર્સિડીઝ સમાંતર તપાસ કરશે

મુંબઈઃ ટાટા સન્સ કંપનીના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી (54) અને એમના મિત્ર જહાંગીર પંડોલનું ગયા રવિવારે બપોરે એક માર્ગ અકસ્માતની ઘટનામાં આકસ્મિક મૃત્યુ થયાનો પાલઘર જિલ્લા પોલીસે કેસ નોંધ્યો છે. તેઓ એક મર્સિડીઝ GLC SUVમાં પ્રવાસ કરતા હતા. કાર ઉત્પાદક કંપનીના નિષ્ણાતોની એક ટીમ પણ આ કેસમાં એમની રીતે તપાસ હાથ ધરવાના છે, એ નક્કી કરવા કે અકસ્માત કારમાંની કોઈ ખરાબીને કારણે તો થયો નહોતોને.

મિસ્ત્રી અને પંડોલના પોસ્ટ-મોર્ટમ રિપોર્ટ્સ મુંબઈની જે.જે. હોસ્પિટલના સત્તાવાળાઓએ મૃતકોના પરિવારજનોને ગઈ કાલે રાતે સુપરત કર્યા હતા. એમાં જણાવાયું છે કે મિસ્ત્રી અને પંડોલનું મૃત્યુ શરીરના મહત્ત્વના અવયવોને મોટી ઈજા થવાને કારણે (polytrauma) થયું હતું. કાર મુંબઈનાં ગાઈનેકોલોજિસ્ટ ડો. અનાહિતા પંડોલ ચલાવતાં હતાં. કાર ખૂબ સ્પીડમાં હતી અને પાલઘર જિલ્લાના ચારોટી સ્થળે સૂર્યા નદી પરના એક પૂલ પર હતી ત્યારે એક અન્ય વાહનને ઓવરટેક કરવા જતાં ડો. પંડોલ સ્ટિયરિંગ પરનો કાબૂ ખોઈ બેઠાં હતાં અને કાર રોડ પરના એક ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડો. અનાહિતા અને એમનાં પતિ દારાયસને ઈજા થઈ હતી. એમને વધારે સારવાર માટે સોમવારે સવારે સ્પેશિયલ ગ્રીન કોરિડોર મારફત મુંબઈના ગિરગાંવની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.

એક સિનિયર તપાસનીશ પોલીસ અધિકારીનું કહેવું છે કે પ્રાથમિક તપાસ પરથી જણાયું છે કે સ્પીડ અને જજમેન્ટના અભાવને કારણે અકસ્માત થયો હતો. બંને મૃતકે સીટ બેલ્ટ પહેર્યો નહોતો. ચેક પોસ્ટ ખાતેના સીસીટીવી કેમેરાના વિશ્લેષણમાં દર્શાવાયું છે કે કાર રવિવારે બપોરે 2.12 વાગ્યે ત્યાંથી પસાર થઈ હતી અને મુંબઈ તરફની દિશામાં લગભગ 20 કિ.મી. આગળના સ્થળે અકસ્માત થયો હતો. 

સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે મુંબઈના વરલી વિસ્તારની સ્મશાનભૂમિમાં કરવામાં આવનાર છે. એમનાં પરિવારમાં પત્ની રોહિકા અને બે પુત્ર – ફિરોઝ અને ઝહાન છે.